ડૉલર સામે રૂપિયામાં ૧૭ પૈસાનું ધોવાણ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં વધેલા રાજકીય-ભૌગોલિક તણાવ વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૭ પૈસાના ધોેવાણ સાથે ૮૩.૬૧ની સપાટીએ બંધ રહ્યો હતો.
વધુમાં ગત માર્ચ મહિનામાં દેશની મર્કન્ડાઈઝ નિકાસ સાધારણ ઘટાડા સાથે ૪૧.૬૯ અબજ ડૉલરના સ્તરે અને ગત નાણાકીય વર્ષમાં નિકાસ ૩.૧૧ ટકા ઘટીને ૪૩૭.૦૬ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાના અહેવાલોની પણ રૂપિયા પર નકારાત્મક અસર જોવા મળી હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૪ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૫૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૬૧ અને ઉપરમાં ૮૩.૪૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૧૭ પૈસાના ઘટાડા સાથે સત્રની નીચી ૮૩.૬૧ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૨ ટકા વધીને ૧૦૬.૨૩ આસપાસની પાંચ મહિનાની ઊંચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધીને નવેમ્બર, ૨૦૨૩ પછીની ઊંચી ૪.૬૬ ટકાની સપાટી આસપાસ રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે વધુમાં વૈશ્ર્વિક સ્તરે મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૫૬.૧૦ પૉઈન્ટનો અને ૧૨૪.૬૦ પૉઈન્ટનો ઘટાડો આવતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો. જોકે આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૦ ટકા ઘટીને બેરલદીઠ ૮૯.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી કંઈક અંશે રૂપિયામાં રાહત મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.