વેપારશેર બજાર

જાપાનીઝ માર્કેટ નબળું પડતાં ભારતીય શૅરબજારને જબરજસ્ત પછડાટ, સેન્સેક્સ સત્રમાં ૧૩૧૫ પોઇન્ટનો જોરદાર કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સ્થાનિક બજારના ઊંચા વેલ્યુએશન અને મધ્યપૂર્વની ભૂરાજકીય તંગદીલી વચ્ચે પ્રાદેશિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સોમવારે ભારતીય શેરબજારમાં જોરદાર કડાકા જોવા મળ્યા હતા. મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક રાજકીય જોખમો અને જાપાનીઝ બજારોમાં નબળાઈ વચ્ચે ફ્રન્ટલાઈન શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્કમાં ભારે વેચવાલીને કારણે સોમવારે ઈક્વિટી બેન્ચમાર્ક લગભગ ૧.૫ ટકા તૂટ્યા હતા.

આ ઉપરાંત, રેકોર્ડબ્રેક રેલી અને વિદેશી ફંડ આઉટફ્લો પછી પ્રોફિટ બુકિંગનુ દબાણ પણ વધી રહ્યું હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું.સેન્સેક્સ ૧,૨૭૨.૦૭ પોઈન્ટ અથવા ૧.૪૯ ટકાના જોરદાર કડાકા સાથે ૮૪,૨૯૯.૭૮ પોઇન્ટ પર સેટલ થયો હતો.

દિવસ દરમિયાન, તે ૧,૩૧૪.૭૧ પોઈન્ટ અથવા ૧.૫૩ ટકા ઘટીને ૮૪,૨૫૭.૧૪ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. એ જ સાથે, એનએસઇનો નિફ્ટી ૩૬૮.૧૦ પોઇન્ટ અથવા તો ૧.૪૧ ટકાના કડાકા સાથે ૨૫,૮૧૦.૮૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેન્કમાં ત્રણ ટકાથી વધુનો કડાકો નોંધાયો છે. આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ટાટા મોટર્સ અન્ય સૌથી વધુ ઘટનારા શેરો હતા. તેનાથી વિપરીત, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી, ટાટા સ્ટીલ, ટાઇટન અને એશિયન પેઇન્ટ્સ ટોપ ગોઇનર્સમાં સામેલ હતા. પ્રરંભિક સત્રથી જ ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપી અને તીવ્ર કડાકા જોવા મળ્યા હતા. ખાસ કરીને ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, ટીસીએસ અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં સારું ધોવાણ જોવા મળ્યું હતું.

સત્રની શરૂઆતે સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ નીચામાં ખુલ્યો અને નિફ્ટી ૨૬,૧૦૦ની નીચે ખુલ્યો હતો. જ્યારે બપોરના સત્રમાં જ સેન્સેકસ ૧૨૩૩ પોઇન્ટના તોતિંગ કડાકા સાથે ૮૪,૪૦૦ની નીચે ઘૂસી ગયો છે. નિફ્ટી પણ ૩૬૦ પોઇન્ટના કડાકા સાથે ૨૫,૮૦૦ નજીક પહોંચ્યો હતો.

જ્યારે ટ્રેન્ડથી વિપરીત નિફ્ટી મેટલ ઈન્ડેક્સ બપોરના સત્રમાં ૧૨૦ પોઇન્ટના જોરદાર ઉછાળા સાથે ૧૦,૨૦૦ની સપાટીએ પહોંચ્યો હતો. ચીનની માગ નીકળવાની આશા વચ્ચે આ સુધારો જોવા મળ્યો છે. બજારના કડાકાનું કારણ પણ ચાઇના છે. સેક્ટોરલ મોરચે, નિફ્ટી મેટલ ૧.૧૬ ટકા સુધી ઊછળ્યો હતો. પોતાની ધીમી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ચીન દ્વારા અનેક પગલાંની થયેલી જાહેરાતને પગલે મેટલ શેરોમાં લવલાવ જોવા મળી હતી. આ સેકટરમાં એનએમડીસી, હિન્દાલ્કો અને સેઇલ ઇન્ડેક્સમાં ટોપ ગેનર બન્યા હતા.

દરમિયાન, આર્બિટ્રેશન કેસમાં જીત મળવાથી રિલાયન્સ ઇન્ફ્રામાં બે ટકા ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સરકાર દ્વારા નિકાસ જકાત મુક્તિ જાહેર થઈ હોવાથી ચોખાના સ્ટોકમાં પાંચ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. માર્કેટ એનલિસ્ટ જણાવે છે કે, બજાર નજીકના ગાળામાં કોન્સોલિડેશન મોડમાં જાય તેવી શક્યતા છે. વિદેશી પોર્ટફોલિયોને પ્રભાવિત કરનાર એક નોંધપાત્ર પરિબળ ચીનના શેરોનું આઉટપરફોર્મન્સ છે, જે સપ્ટેમ્બરમાં હેંગસેંગ ઇન્ડેક્સમાં લગભગ ૧૮ ટકા જેટલા મોટા ઉછાળામાં પ્રતિબિંબિત થાય છે. ચીની સત્તાવાળાઓ દ્વારા જાહેર કરેલા નાણાકીય અને રાજકોષીય સ્ટિમ્યુલસથી ચીનના અર્થતંત્રમાં પુનરુત્થાનની આશાને કારણે આ ઉછાળો આવ્યો છે.

એશિયન બજારોમાં નબળાઈએ શેરબજારની ચાલને ઘણી હદ સુધી અસર કરી હતી. જાપાનનો નિક્કી-૨૨૫ ઇન્ડેક્સ ૫ાંચ ટકાથી વધુ તૂટ્યો હતો. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીમાં શિગેરુ ઈશિબાની જીત બાદ આ ઘટાડો આવ્યો છે, જેને જાપાનના આગામી વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે. કોરિયન બજારો પણ નુકસાન સાથે ટ્રેડ થઇ રહ્યા હતા.

દરમિયાન, અમેરિકાના નાસ્ડેક ઇન્ડેક્સમાં પણ થોડો ઘટાડો થયો હતો અને એસએન્ડપી ૫૦૦ પણ રેડ ઝોનમાં બંધ થયો હતો. જોકે, ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા વેચવાલીથી શેરબજારો દબાણ હેઠળ છે. અગાઉ ૨૭ સપ્ટેમ્બરે શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. ૧,૨૦૯.૧૦ કરોડનું વેચાણ કર્યું હતું.

બજારના વિશ્ર્લેષકો પાછલા છ મહિનાથી વધુ પડતા ઊંચા વેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ કારણે નવા રોકાણકારો બજારમાં નાણાં રોકતા પહેલા સાવધાન થઈ રહ્યા છે. તેમજ ઘણા સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. એક ફંડ મેનેજરે જણાવ્યું હતું કે, વેલ્યુએશન ઘણું ઊંચુ છે, પરંતુ હજુ પણ ભારત જેવી ગ્રોથની સંભાવના ધરાવતા બજારો બહુ ઓછા છે. આપણી રાજકોષીય ખાધ અને ફુગાવો અંકુશમાં છે. રૂપિયો પણ સ્થિર છે. એફઆઈઆઈ પાસેથી ટૂંક સમયમાં ઘણા પૈસા આવવાનું શરૂ થઈ શકે છે, જેના કારણે બજારનું રિરેટિંગ થઈ શકે છે.

સૌથી મોટી ચિંતાની બાબતમાં મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. હિઝબુલ્લાાના ચીફ હસન નસરાલ્લાહની હત્યાના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. ઈઝરાયેલના હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક વરિષ્ઠ કમાન્ડરનું પણ મોત થયું હતું. આવી સ્થિતિમાં ઈરાન આ મામલે કેવી પ્રતિક્રિયા આપે છે, તેના પર સૌની નજર છે. આ દરમિયાન રશિયાના વડાપ્રધાન ઈરાન જવાના અહેવાલો છે. જો અમેરિકા અને રશિયા જેવી મોટી શક્તિઓ મિડલ ઈસ્ટની લડાઈમાં ઝંપલાવશે તો તે ગ્લોબલ સ્તરે ભારે હલચલ મચાવી શકે છે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા