વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ટીન સહિતની ધાતુઓમાં ગાબડાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે કોપર સહિતની ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ટીન અને નિકલ સહિતની ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી તેમ જ વેચવાલીના માહોલમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૭૨ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ વ્યાજદરમાં ક્યારથી કાપ મૂકવાની શરૂઆત કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન કરી હોવાથી આજે લંડન ખાતે કોપરનાં ત્રણ મહિને પાકતા ડિલિવરીનાં વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી સાધારણ સુધારા સાથે ટનદીઠ ૯૯૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ અન્ય ધાતુઓમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું.
આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૭૨ ઘટીને રૂ. ૨૯૬૯ અને રૂ. ૧૩ ઘટીને રૂ. ૧૬૧૫ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે ટીન અને નિકલની આગેવાની હેઠળ અન્ય ધાતુઓમાં પણ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટીને અનુક્રમે રૂ. ૮૩૨ અને રૂ. ૭૭૫, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૮૫૨, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. નવ ઘટીને રૂ. ૮૪૩, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ .આઠ ઘટીને અનુક્રમે રૂ. ૫૪૦ અને રૂ. ૮૮૬, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. છ ઘટીને રૂ. ૫૭૦, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૨૬૦ અને લીડ ઈન્ગોટ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૧૯૪, રૂ. ૧૯૦ અને રૂ. ૨૪૫ના મથાળે રહ્યા હતા.