વેપાર

નાદારીથી નંબર વનની રોમાંચક જિંદગી

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

ચડતી પડતી તો જિંદગીનો એક અભિન્ન અંગ છે, પણ કેટલા લોકો આ જંગ જીતે છે? ચડતી પછીની પડતી માટે કેટલાક નસીબને દોષ દે છે તો કેટલાક હરીફોની સાજીશને. ચડતી પડતી સામાન્ય માણસોના જીવનમાં આવે છે તેવું નથી. દુનિયામાં નં.૧ વનનું સ્થાન ધરાવતા લોકોની જિંદગીમાં પણ આવે છે તેમાંના એક હેન્રી ફોર્ડની જિંદગીની દાસ્તાનની વાત કરવી છે. દુનિયામાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ હશે જે હેન્રી ફોર્ડના નામથી પરિચિત નહીં હોય પણ તમે જાણો છો કો ૧૮૯૯માં હેન્રી ફોર્ડએ ડેટ્રોઇટ ઓટોમોબાઇલ કંપનીની સ્થાપના કરી પણ માત્ર બે જ વર્ષમાં ૧૯૦૧માં ફોર્ડએ માત્ર ૨૦ મોટરકાર મેન્યુફેકચર્ડ કર્યા પછી નાદારી નોંધાવેલી હતી!

પણ નાસીપાસ થયા વગર ફોર્ડે માત્ર બેજ વર્ષમાં ૧૯૦૩માં હેન્રી ફોર્ડ કંપની સ્થાપી અને પછી તેનું નામ કેડીલેક ઓટોમોબાઇલ કંપની કરીને કાર મેન્યુફેકચરિંગના ધંધાની સ્થાપના કરી પણ આમાંય કાંઇ તકલીફો પીછો છોડતી નહોતી. નાણાકીય ભીડના કારણે માત્ર ૯૦૦ ડૉલર ચૂકવીને ફોર્ડએ તેના નામના રાઇટ સાથે કંપની છોડી દીધેલ હતી!

ત્યારબાદ ફોર્ડે નાણાકીય સહાય માટે કોલસાના વેપારી એલેકઝાન્ડર્સ માલ્કોમને ફોર્ડ એન્ડ માલ્કોમ પાર્ટનરશિપ ફર્મમાં ભાગીદાર બનાવ્યો પણ નાણાની તકલીફો ચાલુ જ હતી તેથી માલ્કોમે તેના અંકલ જહોન ગ્રેનો સંપર્ક કર્યો. ગ્રે જર્મન અમેરિકન સેવિંગ્ઝ બૅન્કના પ્રમુખ હતા. તેથી ફાઇનાન્સ એરેન્જ કરવું મુશ્કેલ ન્હોતું. ગ્રેની નાણાકીય સહાયતાના કારણે તેને કંપનીનો પ્રમુખ નિમવામાં આવ્યા અને ફોર્ડએ વાઇસ પ્રેસિડન્ટની પોસ્ટ સ્વીકારી.

૧૯૦૫ સુધીમાં ફોર્ડ કંપનીએ સારી એવી પ્રગતિ કરીને ૧૦૦ ટકા ડિવિડન્ડ કમાઇને રોકાણ ફ્રી કરી નાખ્યું અને ૧૯૦૫માં તો ફોર્ડ કંપનીએ લાખ ડૉલર્સનો પ્રોફિટ કમાઇ લીધો.

માલ્કોમનો મુખ્ય બિઝનેસ કોલસાનો હતો અને ગ્રેનો ફાઇનાન્સનો તેથી પૂરો સમય ફોર્ડ કંપનીને આપી નહીં શકવાના કારણે ફોર્ડ સાથે ઘર્ષણ થતા માલ્કોમે તેની માલિકીની શૅર્સ ફોર્ડને વેંચી નાખ્યા અને ૧૯૦૬માં ગ્રેનું અચાનક મૃત્યુ થતા ફોર્ડ કંપનીન એકમાત્ર માલિક બની જવાથી ફરી ફોર્ડ મોટર કંપનીના પ્રમુખ તરીકે હેન્રી ફોર્ડની નિમણૂક કરવામાં આવી.

ત્યાર પછીનાં વર્ષોમાં હેન્રી ફોર્ડએ મોડલ એ, મોડલ કે, મોડલ એસ માર્કેટમાં ઉતાર્યા પણ ખરી સફળતા ત્યારે મળી જ્યારે ૧૯૦૯માં મોડલ ટી બ્રાન્ડની કાર માર્કેટમાં ઉતારી જેને અદ્ભુત સફળતા મળી. કારીગરો ઉપર કામનું દબાણ આવતા કામદારોની હડતાળને અટકાવવા ૯ની જગ્યાએ ૮ કલાકની શિફટ કરી પગાર ડબલ કર્યા અને અઠવાડિયામાં ૫ દિવસ કામના કર્યા ૧૯૧૧થી ૧૯૨૫ના સમય દરમિયાન ફોર્ડએ કેનેડા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ, ડેન્માર્ક, જર્મની, ઑસ્ટ્રીયા, જાપાન અને સાઉથ આફ્રિકામાં એસેમ્બલી પ્લાન્ટ સ્થાપ્યા.

પરંતુ ૧૯૩૨માં વિશ્ર્વ મહામંદીની ઝપેટમાં આવી ગયું અને તેની અસર ફોર્ડ કંપનીને પણ થઇ. કામદારોની છટણી કરવી પડી જેના વિરોધમાં કામદારોએ દેખાવો કર્યાં અને આંદોલન હિંસક થતા પોલીસ ગોળીબારમાં કેટલાય લોકોના
મોત થયા.

હજુ તો જગત ૧૯૩૨ની મહામંદીના ચક્કરમાંથી બહાર આવે ત્યાં જ ૧૯૪૧માં બીજા વિશ્ર્વ યુદ્ધના નગારા વાગવા લાગ્યા. ફોર્ડનો જર્મનીમાં પ્લાન્ટ હોવાના કારણે તેના જર્મનીની નાઝી ગવર્મેન્ટ સાથે સારા સંબંધો રાખેલા હતા અને ૧૯૩૮માં તો હેન્રી ફોર્ડને જર્મનીની ગવર્મેન્ટએ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ જર્મન ઇગલ મેડલથી નવાજેલા હતા તેથી ફોર્ડ બીજા વિશ્ર્વ યુદ્ધમાં પાર્ટીસીપેટ ન્હોતા કરવા માગતા પણ પર્લહાર્બર ઉપર જાપાનીઝ હુમલો થતા અમેરિકાએ યુદ્ધમાં ઝંપલાવ્યું અને ફોર્ડએ પણ તેમાં સાથ આપવો પડ્યો હતો.

૧૮૬૩માં જન્મેલા ફોર્ડએ ૧૯૦૬થી ૧૯૧૯ ફોર્ડ મોટર કંપનીના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી નિભાવી અને ત્યારબાદ તેના દીકરા એડસેલ ફોર્ડએ ફોર્ડ મોટર કંપનીના પ્રેસિડેન્ટની ડ્યૂટી સંભાળી પણ ૧૯૪૩માં પેટમાં કૅન્સરની બીમારી થતા હેન્રી ફોર્ડ પિતાની હયાતીમાં જ દીકરો એડસેલ મરણ પામતા ફરી એકવાર ૭૮ વર્ષની ઉંમરે હેન્રી ફોર્ડએ ૧૯૪૩માં ફોર્ડ મોટર કંપનીના પ્રેસિડેન્ટની જવાબદારી સંભાળી પણ હવે તેનું સ્વાસ્થ્ય અને મેન્ટલ પાવર નબળા હોવાના કારણે તે પ્રેસિડેન્ટ તરીકે બહુ કાબેલિયતથી જવાબદારી સંભાળી શકયા ન્હોતા. તેથી તેની પત્ની અને પુત્રીએ હેન્રી ફોર્ડને વારસો તેના પૌત્ર ફોર્ડ ટુ ને સોંપી દેવા જણાવ્યું પણ હેન્રી ફોર્ડ તેના માટે સંમત ના હોવાથી તેની પત્ની અને પુત્રીએ ધમકી આપી કે જો તે તેના પૌત્રને પ્રેસિડેન્ટની ગાદી નહીં સોંપે તો તેના હિસ્સાના ફોર્ડ મોટર કંપનીના શૅર્સ બીજાને વેંચી મારશે આ ધમકી કામ કરી ગઇ અને હેન્રી ફોર્ડએ તેના પૌત્રને પ્રેસિડેન્ટશિપ સોંપીને નિવૃત્તિ સ્વીકારી આને કહેવાય પરિવારવાદ! સમય જતા જનરલ મોટર્સ અને ક્રાયસલર મોટરે અમેરિકન માર્કેટમાં પ્રવેશ કર્યો અને સાથે જાપનીઝ જર્મન અનુ યુરોપિયન કારનો ઉદય થતા ફોર્ડનો મોટરકાર માર્કેટમાં હિસ્સો ઓછો થવા લાગ્યો.

લકઝરી કાર માર્કેટમાં પ્રવેશ કરવા માટે ૪ ફ્ેબ્રુઆરી ૧૯૨૨ના ફોર્ડએ લિન્કન મોટર્સને ટેઇકઓવર કરી લીધી લિન્કન નામ અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિન્કનની યાદગીરીમાં રાખવામાં આવેલ હતું. અબ્રાહમ લિન્કનનું જે સીટ ઉપર બેસીને શૉ જોતા એસેસિનેશન થયેલું તે સીટ ફોર્ડ કંપનીએ ખરીદી લઇને ફોર્ડ મ્યુઝિયમમાં રાખેલ છે. તેવી જ રીતે તત્કાલીન અમેરિકન પ્રમખ જહોન કેનેડીને ફોર્ડ મોટર તરફથી લિન્કન લીમુઝીન કાર લીઝ કરવામાં આવેલી હતી તે પણ ફોર્ડ મ્યુઝિયમમાં સ્થાન ધરાવે છે.

એક સમય એવો હતો કે ફોર્ડની માલિકીમાં વોલ્વો, લેન્ડરોવર, જેગુઆર, એસ્ટિન માર્ટિન જેવી બ્રાન્ડ હતી જે સમય જતા બીજાને વેંચી દેવામાં આવેલ હતી.

ડિસેમ્બર ૨૦૦૬માં ફોર્ડએ જણાવ્યું કે તે ફોર્ડ કંપનીની તમામ મિલકતો, ફોર્ડની ગુડવીલ, પેટન્ટ, ટ્રેડમાર્ક બધુ ગીરવે મૂકીને ૨૩.૪ બિલિયન રકમનું ધિરાણ લેશે કે જેમાંથી ૧૭ બિલિયન ડૉલર્સની રકમ તો થનારા બિઝનેસ લોસ અને મોર્ડનાઇઝેશન માટેના પ્લાનને અમલમાં મૂકી શકાય અને ૨૦૧૨ સુધીમાં સફળતાથી આ પ્લાન અસ્તિત્વમાં મૂકીને ફોર્ડના હાથમાં ૨૨.૮ બિલિયન ડૉલર્સની કેશ ઓન હેન્ડ હતી!

અત્યારે એલન મસ્ક ઓટોમોબાઇલ કંપનીમાં કિંગ છે જેનું વેલ્યુએશન ફોર્ડ, જનરલ મોટર્સ ક્રાયસલર વગેરેના કુલ માર્કેટ કેપ કરતાં પણ વધારે છે. ફરી એક વાર ફોર્ડ મોટરે કોમ્પિટીશનનો સામનો કરવો
પડે છે.

૧૯૪૭માં હેન્રી ફોર્ડ ૮૩ વર્ષની ઉંમરે બ્રેઇન હેમરેજથી મૃત્યુ પામતા એક યુગ સમાપ્ત થયો. હેન્રી ફોર્ડની દાસ્તાનમાં એ તમામ ચીજો જોવા મળી જે સામાન્ય માણસના જીવનમાં હોય છે. જેમ કે પરિવારવાદ, અહંમ, ધંધામાં બધુ ગીરવે મૂકીને જોખમ લેવાની શક્તિ, ખુરશી નહીં છોડવાની જીદ અને નં. ૧ સ્થાને પહોંચવાની મહત્ત્વાકાંક્ષા અને તેણે પણ જીવનમાં એટલી ચડતી પડતી જોઇ છે કે જેનો કોઇ હિસાબ નથી આમ જો કોઇ માણસ થામી લે કે જિંદગીમાં કોઇ મુકામ હાંસલ કરવો છે તો તે કદાચ મુશ્કીલ હોય શકે પણ નામુમકીન તો નહીં જ પણ તેના માટે સખત મહેનત અને આવડતની બહુ જરૂર છે. નહીંતર સત્યમ કોમ્પ્યુટર્સના રામાલીગમ રાજુનો દાખલો સામે જ છે કે માત્ર મહત્ત્વકાક્ષાંથી સિદ્ધિ હાંસલ નથી થતી. કારણકે “ગ્રેટેસ્ટ એચીવમેન્ટ ઇઝ ટુ આઉટ પર્ફોમ યોરસેલ્ફ.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button