ખાંડ ઉદ્યોગને પડી ભાંગતા અટકાવવા ઔદ્યોગિક સંગઠનની સરકારી હસ્તક્ષેપની માગ
નવી દિલ્હી: નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ (એનએફસીએસએફ)એ ખાંડ ક્ષેત્રમાં તોળાઈ રહેલી કટોકટી અંગે ચેતવણી આપી હતી અને ખાંડ ક્ષેત્રને પડી ભાંગતા અટકાવવા માટે તાકીદે સરકારી હસ્તક્ષેપનો અનુરોધ કર્યો હતો.
એનએફસીએસએફએ આજે કેન્દ્રિય ખાદ્ય સચિવને ખાંડ ક્ષેત્રમાં ખાંડના સ્ટોકમાં ભરાવો અને વધી રહેલા ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લેતા ખાંડ મિલોની નાણાકીય દબાણ હેઠળ આવી હોવાનું જણાવ્યું છે. ફેડરેશનના મતાનુસાર ગત ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન વર્ષ ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમના આરંભે ૮૦ લાખ ટન ખાંડનો સ્ટોક હતો. તેમ જ આ વર્ષે અંદાજે ઈથેનોલ માટે વિકેન્દ્રિત થનારી ખાંડ સિવાય ઉત્પાદન ૩૨૫ લાખ ટન રહેતાં કુલ ૪૦૫ લાખ ટન ખાંડ ઉપલબ્ધ રહેશે તેની સામે ૨૯૦ લાખ ટન સ્થાનિક વપરાશી માગને ધ્યાનમાં લેતા વર્ષના અંતે ૫૩૫ ખાંડ ફેક્ટરીઓ પાસે ૧૧૫ લાખ ટન ખાંડનો સ્ટોક રહેશે. ફેડરેશને વધુમાં અંગુલી નિર્દેશ કર્યો હતો કે સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ માટે શેરડીના સામાન્ય વળતરદાયી ભાવ (ફેર રેમ્યુનરેટિવ પ્રાઈસ) આઠ ટકા વધારીને ટનદીઠ રૂ. ૩૪૦૦ કર્યા છે. તેમ જ ખાંડનાં ઉત્પાદનો ઉત્પાદનખર્ચ પણ વધીને કિલોદીઠ રૂ. ૪૧.૬૬ સુધી પહોંચ્યો છે, પરંતુ તેની સામે વર્ષ ૨૦૧૮-૧૯થી ખાંડના લઘુતમ વેચાણ ભાવ કિલોદીઠ રૂ. ૩૧ની સપાટીએ યથાવત્ રાખવામાં આવ્યા છે.
ખાંડ ઉદ્યોગે તેની કામગીરી ચાલુ રાખવા માટે રૂ. ૧.૫ લાખ કરોડનો ખર્ચ કરવો પડે છે, જેમાં ૭૫ ટકા હિસ્સો ખેડૂતોને ચુકવણી માટે અને શેષ હિસ્સો એકમ કાર્યરત રાખવા માટે રાખવો પડે છે. વધુમાં ઉદ્યોગમાં ઈથેનોલના ભાવ અને ખાંડની ફાળવણી અંગે પણ ચિંતા પ્રવર્તી રહી છે. ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામમાં ખાંડ ક્ષેત્રના યોગદાનમાં અગાઉ વર્ષ ૨૦૨૧-૨૨માં હિસ્સો જે ૮૩ ટકા હતો તે સરકારી નિયંત્રણોને કારણે હાલ ઘટીને ૩૭ ટકાના સ્તરે આવી ગયો છે. ફેડરેશને જણાવ્યું હતું કે ઈથેનોલ પુરવઠા વર્ષ ૨૦૨૪માં ૯૪૦ કરોડ લિટરની જરૂરિયાત સામે તેલ માર્કેટિંગ કંપનીઓએ ૮૩૭ કરોડ લિટરની ફાળવણી કરી હતી અને તેમાં પણ ખાંડ ઉદ્યોગને ફાળવણી ૩૧૭ કરોડ લિટરની જ થતાં અંદાજે ૪૦ લાખ ટન ખાંડ ઈથેનોલ માટે વિકેન્દ્રિત થઈ હતી. વધુમાં બી-હેવી મોલાસીસ અને શેકડીના જ્યૂસમાંથી બનતા ઈથેનોલનાં સામાન્ય વળતરદાયી ભાવમાં વધારો કરવામાં આવ્યાના એક વર્ષ પછી પણ તેનું એડજસ્ટમેન્ટ ન થતાં ક્ષેત્રની આર્થિક પોસાણક્ષમતા ઘટી છે.