ટ્રમ્પ- પૉવૅલ વચ્ચેનો ગજગ્રાહ અને ભૂરાજકીય તણાવ વધતા વૈશ્વિક સોના-ચાંદી નવી ટોચે

સ્થાનિકમાં ચાંદી રૂ. 13,968 ઉછળીને રૂ. 2.56 લાખની પાર, સોનામાં રૂ. 3327નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી વહીવટીતંત્રએ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ પર ફોજદારી તપાસ શરૂ કરી હોવાના અહેવાલ ઉપરાંત અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવ તથા ગ્રીનલેન્ડ હસ્તગત કરવા જેવાં ભૂરાજકીય તણાવોમાં વધારો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ બે ટકા વધીને નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ વધુ 5.5 ટકાની તેજી સાથે આગેકૂચ જળવાઈ રહી હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 3314થી 3327 વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 1.40 લાખની સપાટી કુદાવી હતી. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ રૂ. 13,968ની તેજી સાથે રૂ. 2.56 લાખની પાર થઈ ગયા હતા.
આજે 999 ટચ ચાંદીમાં ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હોવા છતાં વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 13,968ના ઉછાળા સાથે રૂ. 2,56,776ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ તેજીનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3314 વધીને રૂ. 1,39,887 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3327 વધીને રૂ. 1,40,449ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં પણ ઊંચી સપાટીએથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.9 ટકા વધીને આૈંસદીઠ 4596.05 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે એક તબક્કે ભાવ વધીને 4600.33 ડૉલરની નવી વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. આ સિવાય સોનાના ફેબ્રુઆરી વાયદામાં ભાવ 2.3 ટકા વધીને 4606.20 ડૉલર તથા હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 84.60 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ આગલા બંધ સામે 5.5 ટકા વધીને 84.32 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે અમેરિકી વહીવટીતંત્ર અને ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વચ્ચેનો તણાવ વધવાની સાથે ભૂરાજકીય તણાવમાં પણ વધારો થવાથી સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હોવાનું ઓએએનડીએના વિશ્લેષક ઝેઈન વાવદાએ જણાવ્યું હતું. વધુમાં અમેરિકાનાં વેનેઝુએલા તથા ગ્રીનલેન્ડ સાથેનાં વધેલા ભૂરાજકીય તણાવને કારણે પણ સોનાચાંદીની તેજીને ઈંધણ મળી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તાજેતરમાં વૈશ્વિક બજારમાં ચાંદીમાં પ્રવર્તી રહેલી પુરવઠાખેંચ અને વધી રહેલી ઔદ્યોગિક માગને ધ્યાનમાં લેતા ચાંદીના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 100 ડૉલર સુધી વધી શકે છે, એમ વાવદાએ ઉમેર્યું હતું.
આપણ વાંચો: બજેટ સત્ર ૨૮મી જાન્યુઆરીથી શરૂ થશે, આર્થિક સર્વેક્ષણ ૨૯મીએ રજૂ થશે



