કરંટ ટોપિક -નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં મોટો કડાક લાવી શકે એવા પરિબળો ઝળુંબી રહ્યાં છે. બજારના સેન્ટિમેન્ટને સૌથી મોટો ફટકો વિશ્ર્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. ઇઝરાયલને છંછેડીને ઇરાને સમગ્ર વિશ્ર્વની શાંતિને ડહોળી નાંખી છે. એક તરફ ઇઝરાયલે ઇરાનને ચોખ્ખી ચેતવણી આપી છે અને અમેરિકાએ પણ ઇકરાનને ખુલ્લેઆમ ધમકાવી નાંખ્યું છે.
ભયભીત થયેલા ઇરાને હવે જાન બચાવવા નમતું જોખ્યું છે અને પોતે પહેલ નહીં કરે એવું ઉચ્ચારણ કર્યું છે, પરંતુ ઇઝરાયલ શું કરશે એ કલ્પના બહારની વાત છે. ઇઝરાયલને અમેરિકા સાથ આપી રહ્યું છે, તો ઇરાનને રશિયા તરફથી સાથ મળવાની સંભાવના છે. આ રીતે જો સુપર પાવર યુદ્ધમાં ઝંપલાવશે તો સમગ્ર વિશ્ર્વ માટે મોટું જોખમ ઊભું થઇ જશે.
સ્વાભાવિક છે કે જીઓ-પોલિટિકલ જોખમ ઊભા થતાં રોકાણકારો અને હેજ ફંડો ગોલ્ડ અને અન્ય સેફ હેવન એસેટ તરફ આગળ વધે છે અને ઇક્વિટી જેવા રિસ્કી એસેટમાં વેચવાલી વધવાને કારણે શેરબજારને ફટકો પડે છે. બીજી તરફ આ જ કારણસર ક્રૂડ ઓલિના ભાવમાં ઉછાળો આવે છે, (જે આવ્યો જ છે), જે ઇન્ફ્લેશન વધારે છે અને વૈશ્ર્વિક અર્થતંત્રને ફટકો મારે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે વૈશ્ર્વિક સપ્લાઇ ચેઇન ખોરવાઇ જાય છે અને નિકાસ વેપારને ફટકો પડે છે. આ ઉપરાંત ચીન પણ ભારતીય શેરબજાર માટે નકારાત્મક પરિબળ બનીને ઊભું થયું છે. ચીનની અર્થવ્યવસ્થામાં કહેવાતા સુધારા અને ચીની સરકારે જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજ તથા અત્યંત નીચા વેલ્યુએશન્સને કારણે વિદેશી સંસ્થાકીય ફંડો ચીની શેરબજાર તરફ ફંટાયા હોવાના અહેવાલ છે. હવે સેલ ચાઇના એન્ડ બાય ઇન્ડિયાને સ્થાને સેલ ઇન્ડિયા એન્ડ બાય ચાઇના જેવો ઘાટ ઘડાઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં એફઆઇઆઇની વેચવાલી સતત ચાલુ રહેવા સાથે વધતી રહેવાની સંભાવના છે, જે બજારને અને બજારના સેન્ટિમેન્ટને તોડવાનું કામ કરશે. અલબત્ત, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) પાસે ખૂબ પ્રવાહિતા હોવાથી બજારને ટેકો મળશે ખરો, પણ તે ક્યાં સુધી એ પણ પ્રશ્ર્ન છે.
આ બધામાં સેબીનો સપાટો પડતાને પાટું મારવાનું કામ કરશે એવું લાગે છે. સેબીએ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ પર ટ્રેડિંગની અત્યંત સટ્ટાકીય પ્રવૃતિને ધ્યાનમાં રાખીને જે પગલાં લેવાનું નક્કી કર્ર્યુ છે, તેની સીધી અસરે આજે શેરમાર્કેટ ડાઉન થઈ શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સાપ્તાહિક ધોરણે એક્સપાયરી ઘટાડવા સહિત રોકાણકારોની સુરક્ષા અને બજારની સ્થિરતા સુધારવા માટે ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ ફ્રેમવર્કને મજબૂત કરવા અનેક પગલાં જાહેર કર્યા છે. દરેક એક્સચેન્જને સાપ્તાહિક એક્સપાયરી સાથે તેના બેન્ચમાર્ક શેરઆંકમાંથી માત્ર એક માટે ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે. સેબીએ પણ ડેરિવેટિવ્ઝ માટે ન્યૂનતમ ટ્રેડિંગ રકમ વર્તમાન રૂ. ૫ાંચ-દસ લાખથી વધારીને રૂ. ૧૫ લાખ કરી છે, જે બાદમાં વધારીને રૂ. ૧૫ લાખથી રૂ. ૨૦ લાખની વચ્ચે કરવામાં આવશે. માર્કેટ રેગ્યુલેટર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, લોટનું કદ એવી રીતે નક્કી કરવામાં આવશે કે સમીક્ષાના દિવસે ડેરિવેટિવનું કોન્ટ્રાક્ટ મૂલ્ય રૂ. ૧૫ લાખથી રૂ. ૨૦ લાખની વચ્ચે હોય. ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ માટેના નવા ધોરણો ૨૦ નવેમ્બરથી તબક્કાવાર લાગુ કરવામાં આવશે. સાપ્તાહિક એક્સપાઇરી સાથેના ઇન્ડેક્સ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટના કદમાં વધારો અને વધારાના એક્સ્ટ્રીમ લોસ માર્જિન લાદીને ટેલ રિસ્ક કવરેજમાં વધારો એ જ દિવસથી રજૂ કરવામાં આવશે. ઓપ્શન પ્રીમિયમ પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૫થી ખરીદદારો પાસેથી અગાઉથી એકત્રિત કરવામાં આવશે અને કેલેન્ડર સ્પ્રેડ ટ્રીટમેન્ટ સમાપ્તિના દિવસે દૂર કરવામાં આવશે. પહેલી એપ્રિલ, ૨૦૨૫થી ઇન્ટ્રાડે પોઝિશન લિમિટનું નિરીક્ષણ કરવામાં આવશે. સેબીએ જણાવ્યું હતું કે ઇન્ડેક્સ વિકલ્પોમાં એક્સપાયરી ડે ટ્રેડિંગ મોટાભાગે સટ્ટાકીય હોય છે. સ્ટોક એક્સચેન્જો એવા કોન્ટ્રાક્ટ ઓફર કરે છે જે અઠવાડિયાના દરેક દિવસે એક્સપાયર થાય છે. રેગ્યુલેટરના ક્ધસલ્ટેશન પેપરમાં જણાવ્યું હતું કે એક્સપાયરીનાં દિવસે ઈન્ડેક્સ ઓપ્શન્સમાં ભારે ટ્રેડિંગ થાય છે, જેમાં સરેરાશ પોઝિશન હોલ્ડિંગ પિરિયડ મિનિટોમાં હોય છે, તેમજ સમગ્ર દિવસ દરમિયાન અને એક્સપાયરીના સમયે ઈન્ડેક્સના ભાવમાં વધતી જતી અસ્થિરતા હોય છે.
દરમિયાન, સ્થાનિક ધોરણે બજાર આરબીઆઇની આગામી પોલિસી મીટિંગ અને બીજા ક્વાર્ટરના કંપની પરિણામોની રાહ જુએ છે. એક્સચેન્જના ડેટા અનુસાર પાછલા સત્રમાં એફઆઈઆઈએ રૂ. ૯૭૯૨ કરોડના શેર ભારતીય બજારમાં ઠાલવ્યાં છે. વિદેશી ફંડોએ પાછલા સપ્તાહ દરમિયાન કેશ સેગમેન્ટમાં રૂ. ૩,૯૩૩ કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં રૂ. ૨૨,૪૦૪ કરોડના ખરીદદારો રહ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ પાછલા સપ્તાહે રૂ. ૧૫,૯૬૨ કરોડની જંગી ખરીદી નોંધાવી હતી. બજારના વિશ્ર્લેષકો પાછલા છ મહિનાથી વધુ પડતા ઊંચા વેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ કારણે નવા રોકાણકારો બજારમાં નાણાં રોકતા પહેલા સાવધાન થઈ રહ્યા છે. તેમજ ઘણા સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. એક ફંડ મેનેજરે જણાવ્યું હતું કે, વેલ્યુએશન ઘણું ઊંચુ છે, પરંતુ હજુ પણ ભારત જેવી ગ્રોથની સંભાવના ધરાવતા બજારો બહુ ઓછા છે. આપણી રાજકોષીય ખાધ અને ફુગાવો અંકુશમાં છે. રૂપિયો પણ એકંદરે સ્થિર છે.
મધ્યપૂર્વના મિસાઇલ હુમલાથી ક્રૂડ ઑઈલના ભાવમાં ભડકો
મુંબઇ: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વિશ્ર્વમાં ચિંતા વધી રહી છે. ઈરાને લગભગ ૧૮૦ મિસાઈલો છોડીને ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે તો સામે ઈઝરાયલી સેનાએ પણ જવાબી હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો દાવો કર્યો છે. બંને દેશોમાં વધતા તણાવની અસર સૌથી પહેલા ક્રૂડ ઓઈલની કિંમતો પર જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં એક સાથે ૫ાંચ ટકાનો વધારો થયો છે. ઈરાન, જે ઓપેકનું સભ્ય છે અને તેને આ ઓઈલ સેક્ટરનો સૌથી મોટો ખેલાડી પણ માનવામાં આવે છે. તેમજ ઈરાન વિશ્ર્વના લગભગ એક તૃતીયાંશ તેલનો પુરવઠો પૂરો પાડે છે. એવામાં આ હુમલા કારણે હવે ઓઈલ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ આવવાની અસર પણ હવે દેખાઈ રહી છે. જે ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોરદાર ઉછાળો રૂપે જોઈ શકાય છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહી છે. જેમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ (ડબલ્યુટીઆઈ ક્રૂડ)ના ભાવમાં અચાનક ૫ાંચ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ભૂતકાળમાં તેમાં લગભગ ૨.૭ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ તાજેતરના વધારા બાદ તેની કિંમત ફરી એક વખત પ્રતિ બેરલ ૭૧ને પાર કરી ગઈ છે. આપણે વૈશ્ર્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત વિશે વાત કરીએ, તો તે લગભગ ૫ાંચ ટકાના ઉછાળા સાથે પ્રતિ બેરલ ૭૫ની ઉપર પહોંચી ગયો છે. ઈરાન અને ઈઝરાયલમાં વધી રહેલા તણાવની અસર માત્ર ક્રૂડ ઓઈલની કિંમતો પર જ નહીં, પરંતુ હવે વૈશ્ર્વિક શેરબજારો પર પણ કડાકો જોવા મળી રહ્યો છે. ઉપરાંત તેલના ભાવ વધી રહ્યા છે, બોન્ડ વધી રહ્યા છે, સોનાના ભાવ વધી રહ્યા છે અને શેરબજાર તૂટી રહ્યું છે.