ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો સુધારો ધોવાઈને અંતે ટકેલું વલણ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં સત્રના આરંભે ડૉલર સામે રૂપિયામાં આરંભિક તબક્કે નરમાઈ જોવા મળ્યા બાદ બાઉન્સબૅક અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ ઉછળી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો ૧૦ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે ગઈકાલના બંધની જ ૮૩.૦૩ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. તેમ જ સતત છ સત્ર સુધી જોવા મળેલો સુધારો અટક્યો હતો.
એકંદરે બજાર વર્તુળોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં ડિસેમ્બરના ફુગાવા પર સ્થિર હોવાથી બજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે મધ્યસત્ર દરમિયાન ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ ડૉલર ઈન્ડેક્સ ૦.૦૬ ટકા વધીને ૧૦૨.૧૪ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૧.૬૭ ટકા વધીને બેરલદીઠ ૭૮.૦૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૦૩ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૦૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૦૮ અને ઉપરમાં ૮૨.૯૩ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલની જ ૮૩.૦૩ની સપાટીએ બંધ રહ્યો હતો.