મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગે વૈશ્ર્વિક સોનામાં ઝડપી તેજી સાથે ભાવ ત્રણ મહિનાની ટોચે
સ્થાનિકમાં આગઝરતી તેજી સાથે સપ્તાહ દરમિયાન ભાવમાં ૩.૯૩ ટકાનો ઉછાળો, માગ નિરસ
કોમોડિટી -રમેશ ગોહિલ
વીતેલા સપ્તાહે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવો આશાવાદ સપાટી પર આવતાં ગત સપ્તાહે વિશ્ર્વ બજારમાં સોનામાં સલામતી માટેની પ્રબળ માગ નીકળતાં ભાવ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને ભાવમાં સાપ્તાહિક ધોરણે ૨.૫ ટકા જેટલો અથવા તો ઔંસદીઠ ૧૬૦ ડૉલરનો ઉછાળો આવ્યો હતો. ગત શુક્રવારે ઈઝરાયલે ઉત્તર ગાઝામાં રહેલા પરિવારોને અડધા કલાકની મહેતલ આપ્યા બાદ ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો હોવાથી હવે પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સપાટી પર આવતાં સોનામાં સલામતી માટેની માગ વધતાં ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. એકંદરે ગત સપ્તાહ દરમિયાન સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહી હતી.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિકમાં પણ ભાવમાં આગઝરતી તેજી જળવાઈ રહેતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૯૭નો અથવા તો ૩.૯૩ ટકા જેટલો ઉછાળો આવી ગયો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૩ ઑક્ટોબરનાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮,૩૯૬ સામે સુધારાના ટોને રૂ. ૫૯,૦૩૭ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૯,૦૩૭ અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. ૬૦,૬૯૩ની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, ભાવમાં આવેલા અણધાર્યા ઉછાળાને કારણે અગાઉ સોનાના ભાવ નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી આગામી નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારોમાં માગ ખૂલવાના આશાવાદ પર પાણી ફરી વળ્યું હતું. તેમ જ સપ્તાહ દરમિયાન સાર્વત્રિક સ્તરેથી ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ બે ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ચાર ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું એક હૉલસેલરે જણાવતાં ઉમેર્યું હતું કે હવે ગ્રાહકો ભાવમાં કરેક્શન આવે તેની રાહ જોઈ રહ્યા છે.
વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ ગત સપ્તાહ દરમિયાન ભાવમાં આવેલા ઉછાળાને પગલે માગમાં સાધારણ ઘટાડો થતાં પ્રીમિયમમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મધ્યપૂર્વના દેશોના રાજકીય-ભૌગોલિક તણાવથી સોનામાં સલામતી માટેની લેવાલીને ટેકે ભાવમાં આવેલા ઉછાળાને કારણે ચીનમાં માગ ઘટી હોવાનું ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા ઘણાં ટૂંકા સમયગાળાના રોકાણકારો સોનામાં સ્ટોક કરવાથી દૂર થયા છે અને ચીનની સરકાર પ્રોપર્ટી માર્કેટની વૃદ્ધિ માટે સકારાત્મક નીતિવિષયક ફેરફાર કરે તેના પર નજર રાખી રહ્યા છે. જોકે, સિંગાપોર ખાતે ખાસ કરીને સોનાના એક કિલોના બાર્સમાં માગ પ્રબળ રહી હોવાનું ઈન પ્રુવ્ડ સ્થિત એક પ્રીસિયસ મેટલ ડીલર હ્યુગો પાસ્કલે જણાવ્યું હતું કે ચોથા ક્રમાંકના સૌથી મોટા ડીલર પાસે ગત ત્રીજી ઑક્ટોબરનાં રોજ એક કિલોના ૮૨ બાર્સનો સ્ટોક હતો તે ગત ૧૯ ઑક્ટોબરના રોજ ઘટીને ૨૨ બાર્સનો જ રહ્યો હતો. આમ એકંદરે માગ સારી રહેતાં સિંગાપોર ખાતે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ એકથી ચાર ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે પ્રીમિયમ ઔંસદીઠ ૨.૨૦ થી ૩ ડૉલર આસપાસની સપાટીએ રહ્યું હતું. ઈઝરાયલ-હમાસ વચ્ચેનાં તણાવ અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાનો અંત લાવવાની નજીકમાં હોવાથી સોનામાં સલામતી માટેની માગને ટેકે વૈશ્ર્વિક સોનામાં સતત બીજા સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે સુધારો જોવા મળ્યો હતો. વધુમાં ઈઝરાયલનાં સંરક્ષણ પ્રધાન યોવ ગેલાન્ટે હમાસનો સફાયો કરવા માટે જમીની આક્રમણનો નિર્દેશ આપ્યો હોવાથી સોનામાં સલામતી માટેની માગ વેગીલી બનતા ભાવમાં સાપ્તાહિક ધોરણે ૨.૫ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલેે યિલ્ડમાં થયેલા વધારાને કારણે નાણાંકીય સ્થિત તંગ રહેતાં વ્યાજદરમાં વધુ વધારાની શક્યતા પાતળી બની રહી હોવાનું જણાવ્યું હતું. વધુમાં ડલાસ ફેડનાં પ્રમુખ લૉરી લોગાને પણ ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર અંગે સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતા વ્યક્ત કરતાં સોનાની તેજીને ઈંધણ મળ્યું હતું. હાલમાં વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૮૦ ડૉલર આસપાસની મનોવૈજ્ઞાનિક સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા છે અને જો આ સપાટી તૂટે તો ભાવ વધીને ઔંસદીઠ ૨૦૪૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮,૯૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૬૨,૦૦૦ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે વધુ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૯૭૯.૩૯ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૭ ટકા વધીને ૧૯૯૪.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે રાજકીય-ભૌગોલિક અનિશ્ર્ચિતતાને પગલે સોનામાં રોકાણકારોની આક્રમક લેવાલી રહેતાં ભાવ ટૂંક સમયમાં ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી અંકે કરે તેવી શક્યતા શિકાગો સ્થિત બ્લ્યુલાઈન ફ્યુચર્સનાં વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી. જોકે, સાક્સો બૅન્કનાં કૉમોડિટી સ્ટ્રેટેજી વિભાગનાં હેડ ઑલે હાસને એક નોટ્સમાં જણાવ્યું હતું કે ટૅક્નિકલ દૃષ્ટિએ જોતા લાંબા સમયગાળાથી વૈશ્ર્વિક સોનામાં કોન્સોલિડેશન અને ભાવમાં ૧૯૪૬ ડૉલર સુધીનાં ઘટાડાને મળેલી નિષ્ફળતાને ધ્યાનમાં લેતાં ભાવ ઔંસદીઠ ૨૦૨૦ ડૉલરની વિક્રમ સપાટી પહોંચી શકે છે.