બીજા ત્રિમાસિકગાળામાં ભારતમાં ટાટા સ્ટીલનું ઉત્પાદન સાત ટકા વધ્યું | મુંબઈ સમાચાર
વેપાર

બીજા ત્રિમાસિકગાળામાં ભારતમાં ટાટા સ્ટીલનું ઉત્પાદન સાત ટકા વધ્યું

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં દેશની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની ટાટા સ્ટીલના ખાસ કરીને ઝારખંડના જમશેદપુરના એકમમાં બ્લાસ્ટ ફ્યુરન્સનું રિલાઈનિંગ પૂર્ણ થવાથી કામકાજો રાબેતા મુજબ થવાથી કંપનીનું ભારત ખાતેનું ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન વર્ષાનુવર્ષ ધોરણે સાત ટકા વધીને 56.7 લાખ ટનની સપાટીએ રહ્યું છે. તેમ જ આગલા ત્રિમાસિકગાળાની સરખામણીમાં ઉત્પાદનમાં આઠ ટકાની વૃદ્ધિ જોવા મળી હોવાનું કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે.

વધુમાં કંપનીની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં કંપનીનું વેચાણ ગત સાલના સમાનગાળાના 51.10 લાખ ટન સામે વધીને 55.6 લાખ ટનની સપાટીએ રહ્યું હતું.

એકંદરે સ્થાનિકમાં ઉત્પાદન રાબેતા મુજબ થવાની સાથે ચોમાસાનો સમયગાળો હોવા છતાં તમામ સેગ્મેન્ટમાંથી માગ જળવાઈ રહેતાં રવાનગી 55.6 લાખ ટનની સપાટીએ રહી હોવાનું ફાઈલિંગમાં ઉમેર્યું હતું. વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે નવી સુવિધાઓ અને ગ્રાહકોની મંજૂરીઓ સાથે કંપની તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વધુ મજબૂત કરી રહી છે. તાજેતરમાં કંપનીએ ઓરિસ્સામાં કલિંગનગરમાં ગેલ્વેનાઈઝિંગની લાઈન શરૂ કરી છે અને ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઈએમ) તરફથી મંજૂરી પણ મળી છે.

આ સિવાય નવી કોમ્બિ મિલે વેપારી ધોરણે વેચાણ શરૂ કર્યું છે તેમાં મુખ્યત્વે મહત્ત્વની ઑટો એપ્લિકેશન માટે બાર્સ અને વાયર રોડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત 31મી માર્ચ, 2025માં ગ્રૂપનું કોન્સોલિડેટેડ ધોરણે ટર્નઓવર અંદાજે 26 અબજ ડૉલરનું રહ્યું હતું.

આપણ વાંચો : બીએમડબ્લ્યુ સાથેની રેસ વખતે પૉર્શેકાર ડિવાઈડર સાથે ટકરાઈ: બે જખમી

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button