
કોમોડિટી -રમેશ ગોહિલ
વિતેલા સપ્તાહના અંતિમ સત્રોમાં અમેરિકાના આર્થિક ડેટાઓ બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ખાસ કરીને છેલ્લાં બે સત્ર દરમિયાન વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળવાની સાથે મધ્ય પૂર્વના દેશોના રાજકીય-ભૌગોલિક તણાવ યથાવત્ રહ્યો હોવાથી સોનાની તેજીને સલામતી માટેની માગનો પણ ટેકો મળ્યો હતો. વધુમાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ એકંદરે સપ્તાહ દરમિયાન નરમાઈનું વલણ રહ્યા બાદ અંતિમ બે સત્રમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતા એકંદરે ભાવમાં આગલા સપ્તાહની સરખામણીમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૧નો સાધારણ ઘટાડો નોંધાયો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૪ ઑક્ટોબરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫,૯૬૪ના બંધ ભાવ (વેરા રહિત) સામે નરમાઈના અન્ડરટોને ૭૫,૫૮૬ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૭૪,૮૩૦ અને ઉપરમાં રૂ. ૭૫,૯૩૩ની રેન્જમાં અથડાઈને અંતે આગલા સપ્તાહની તુલનામાં ૦.૪૫ ટકા અથવા તો રૂ. ૩૪૧ના ઘટાડા સાથે રૂ. ૭૫,૬૨૩ના મથાળે રહ્યા હતા. એકંદરે સપ્તાહ દરમિયાન દશેરાના તહેવાર પશ્ર્ચાત્ સોનાની ખરીદી માટે સપરમા તહેવાર ગણાતા ધનતેરસ અને દિવાળીની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા સોનામાં જ્વેલરોની લેવાલી નીકળી હતી. આમ જ્વેલરોની માગને ટેકે સ્થાનિક સ્તરે અંદાજે બે મહિના જેટલા લાંબા સમયગાળા બાદ સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ત્રણ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ક્વૉટ થઈ રહ્યા હોવાનું ડીલરોએ જણાવતા ઉમેર્યું હતું કે આ પૂર્વેના સપ્તાહમાં સ્થાનિકમાં સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૧ ડૉલર ડિસ્કાઉન્ટમાં ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તાજેતરમાં સોનાના ભાવમાં વિશ્ર્વ બજાર પાછળ ચમકારા આવી રહ્યા હોવાથી સપ્તાહના અંત આસપાસ રિટેલ સ્તરની માગમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું પીએનજી જ્વેલર્સનાં ચેરમેન સૌરભ ગાડગીલે રૉઈટર્સને એક અહેવાલમાં જણાવ્યું હતું. તે જ પ્રમાણે મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે હાલ જ્વેલરોની દુકાનોમાં ગ્રાહકોની અવરજવર તો જરૂર છે, પરંતુ ઊંચા ભાવને કારણે કામકાજનું વૉલ્યુમ પ્રમાણમાં ઓછું છે. જો આગામી તહેવારો દરમિયાન ભાવસપાટી ઊંચી રહેશે તો અપેક્ષિત માગનો વસવસો જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.
એકંદરે ગત સપ્તાહ દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાતમાં બહુધા નીતિઘડવૈયાઓ વ્યાજદરમાં કપાત માટે સહમત થયા હતા, પરંતુ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત માટે ડેટા પર અવલંબન રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, મિનિટ્સની જાહેરાત બાદ ગત પાંચમી ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહે બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજીઓની સંખ્યા અપેક્ષિત ૨,૩૦,૦૦૦ સામે વધીને ૨,૫૮,૦૦૦ની સપાટીએ રહી હોવાના અહેવાલ સાથે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. વધુમાં ગત શુક્રવારે અમેરિકાનો સપ્ટેમ્બર મહિનાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ સ્થિર અથવા તો યથાવત્ રહ્યો હોવાથી બજારમાં ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સની નરમાઈ અને સલામતી માટેની માગને ટેકે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગત સપ્તાહના અંતે હાજરમાં સોનાના ભાવ ૧.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૬૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સતત બીજા સપ્તાહમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે સુધારો નોંધાયો હતો. આમ ગત સપ્તાહે જાહેર થયેલા ડેટા વ્યાજદરમાં કપાત માટે સાનુકૂળ રહ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં સોનામાં તેજીનું વલણ જોવા મળે તેવી શક્યતા કિટકો મેટલ્સનાં વિશ્ર્લેષક જિમ વાઈકોફે વ્યક્ત કરી હતી. અમેરિકાના આર્થિક ડેટાઓ અર્થતંત્રમાં મજબૂતીના સંકેતો આપી રહ્યા છે તેમ છતાં હાઉસિંગ જેવાં અમુક ક્ષેત્રના ડેટા નબળા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની વિચારણા કરી શકે છે, એમ આરજેઓ ફ્યુચર્સના વિશ્ર્લેષક ડેનિયલ પેવિલિયને જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં રેટ કટના આશાવાદનો અને મધ્યપૂર્વના દેશોના તણાવને કારણે સલામતી માટેની માગનો સોનાની તેજીને ટેકો મળી રહ્યો છે. એકંદરે ફુગાવાની ચિંતા, રાજકીય-ભૌગોલિક તણાવ અને અમેરિકાના ખાતેની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે વર્ષ ૨૦૨૫ સુધીમાં સોનાના ભાવ ઔંસદીઠ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે હાલ સોનામાં રોકાણલક્ષી માગ પણ જળવાઈ રહેતાં ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં ૯૫ ટન સોનાનો ઉમેરો થયો હોવાના અહેવાલ હતા. દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યા બાદ અમેરિકના જાહેર થયેલા આર્થિક ડેટા વ્યાજદરમાં કાપની તરફેણ કરી રહ્યાનો નિર્દેશ આપતા હોવાથી સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ થવા ઉપરાંત ઈઝરાયલ-લેબેનોન-ઈરાન વચ્ચેના તણાવને કારણે સલામતી માટેની માગનો ટેકો મળતાં સોનામાં પુન: તેજીનો સંચાર થયો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ઔંસદીઠ ૨૫૮૦થી ૨૬૯૦ની રેન્જમાં તથા સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૪,૨૦૦થી ૭૬,૯૦૦ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.