ટીન, કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં જળવાતી પીછેહઠ(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ચીન અને પશ્ર્ચિમના દેશો વચ્ચે ટ્રેડ વૉરની ચિંતા ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સત્રના આરંભે કોપર સહિતની ઔદ્યોગિક ધાતુઓના ભાવમાં નરમાઈનો અન્ડરટોન રહ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે ટીનની આગેવાની હેઠળ કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ૧૮નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે માત્ર નિકલ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ત્રણનો સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી આયાતકાર દેશ ચીન અને પશ્ર્ચિમના દેશો વચ્ચેનાં ટ્રેડ વૉરનાં માહોલમાં સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ટનદીઠ ૯૫૬૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ અન્ય ધાતુઓમાં પણ નરમાઈનું વલણ રહ્યું હતું.
આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ચોક્સ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઘટતી બજારે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.