વેપાર

કોપર, ઝિન્ક અને નિકલમાં જળવાતી પીછેહઠ, ટીન અને બ્રાસમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં આર્થિક વૃદ્ધિની ચિંતા તેમ જ અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધની ભીતિ હેઠળ તાજેતરમાં વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિક ધાતુ બજારમાં ભાવઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. જોકે, આજે સપ્તાહના અંતે સ્થાનિકમાં ખાસ કરીને ટીનમાં છેલ્લાં ૧૦ સત્ર દરમિયાન ભાવમાં પીછેહઠ જોવા મળ્યા બાદ આજે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩ વધી આવ્યા હતા. આ સિવાય બ્રાસમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો સુધારો આવ્યો હતો, જ્યારે કોપર અને ઝિન્ક સ્લેબમાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો અને એલ્યુમિનિયમ તથા લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું. આમ એકંદરે આજે બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નીકળેલી નવેસરથી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩ વધીને રૂ. ૨૭૬૯ના મથાળે રહ્યા હતા. આ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૫૧૮ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૫૬૨ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે સ્ટોકિસ્ટોની અવિરત વેચવાલીના દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી રહેતાં ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. નવ ઘટીને રૂ. ૨૬૬ના મથાળે અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. સાત ઘટીને રૂ. ૧૩૮૩ના મથાળે રહ્યા હતા, જ્યારે કોપરની વેરાઈટીઓમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૮૩૩, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૮૧૫, રૂ. ૮૦૫ અને રૂ. ૭૪૫ તથા કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૭૯૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટાછવાયા કામકાજો રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮૭, રૂ. ૨૨૬ અને રૂ. ૧૯૬ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button