નિકલ સિવાયની ધાતુઓમાં જળવાતી આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ખાસ કરીને કોપરમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં કોપરની આગેવાની હેઠળ વિવિધ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૨ની આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે માત્ર નિકલમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકનો સાધારણ ઘટાડો આવ્યો હતો અને લીડ ઈન્ગોટ્સ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ ટકેલા રહ્યા હતા.
તાજેતરમાં કોપરનાં વૈશ્ર્વિક પુરવઠામાં પાંચ ટકા જેટલો બહોળો હિસ્સો ધરાવતી ચીલીની એસ્કોન્ડિડા ખાણમાં વેતનના મુદ્દે કામદારો હડતાળ પર ઊતર્યા હોવાથી કોપરના વૈશ્ર્વિક ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં કોપરના વાયદાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ત્રણ ટકા જેટલો વધારો નોંધાયા બાદ આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા જેટલા ઘટીને ટનદીઠ ૯૧૨૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જોકે, ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે આજે સ્થાનિકમાં ખાસ કરીને કોપર કેબલ સ્ક્રેપ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૨ વધીને રૂ. ૭૮૯ અને રૂ. ૧૦ વધીને રૂ. ૮૧૯ના મથાળે રહ્યા હતા.
વધુમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે
અન્ય ધાતુઓના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી તેમાં કોપર સ્ક્રેપ હેવી અને ટીનના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને અનુક્રમે રૂ. ૭૮૦ અને રૂ. ૨૭૩૦, કોપર આર્મિચર અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૭૭૨ અને રૂ. ૫૫૨, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૭૨૫ અને રૂ. ૨૬૬, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૫૧૫ અને અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૧૮૭ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર નિકલમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૧૩૭૭ અને ખપપૂરતી માગને ટેકે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૨૨ અને રૂ. ૧૯૨ના મથાળે રહ્યા હતા.