વેપાર

ટીનની આગેવાની હેઠળ ધાતુમાં જળવાતી આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે ટીનમાં સતત પાંચમાં સત્રમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩નો વધારો આગળ ધપ્યો હતો. આ સિવાય કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૨નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૩ વધીને રૂ. ૨૩૦૦ના મથાળે રહ્યા હતા.

આ સિવાય અન્ય ધાતુઓમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ વધીને રૂ. ૭૬૦, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૭૦૬, કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૧૫, રૂ. ૫૧૦, રૂ. ૪૭૫, રૂ. ૨૦૫ અને રૂ. ૨૨૬, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૬૯૬ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૧૬૧ અને રૂ. ૧૮૬ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા નિકલમાં ખપપૂરતા કામકાજો રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૬૬૧ અને રૂ. ૧૩૯૫ના મથાળે ટકેલા રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button