ખાંડમાં ખપપૂરતા કામકાજે પીછેહઠ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે ખાસ કરીને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં માગ તથા માલની ગુણવત્તાનુસાર સ્મોલ અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી અનુક્રમે ક્વિન્ટલે રૂ. 20 અને રૂ. ચારનો ઘટાડો આવ્યો હતો. જોકે, નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. તેમ જ રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. વધુમાં આજે અમુક માલની ગુણવત્તા પણ પ્રમાણમાં નબળી આવી હોવાથી ભાવ દબાણ હેઠળ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 20ના ઘટાડા સાથે રૂ. 4012થી 4062માં થયા હતા.
જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના ઘટાડા સાથે રૂ. 4062થી 4132માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.વધુમાં નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3930થી 3960માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3970થી 4000માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.