શેરડીની ખરીદી પેટેની બાકી ચુકવણી વધવાની ખાંડ મિલોની ચેતવણી ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવા સક્રિયપણે વિચારતી સરકાર…

નવી દિલ્હીઃ ખાંડ મિલોની શેરડીની ખરીદી પેટેની ચુકવણીમાં જાન્યુઆરી મહિનાથી વધારો થવાની ચેતવણી ખાંડ ઉદ્યોગે ઉચ્ચારતા સરકાર સક્રિયપણે ખાંડના લઘુતમ વેચાણ ભાવમાં વધારો કરવાનું અને અન્ય પગલાંઓ લેવા બાબતે વિચારણા કરી રહી હોવાનું ખાદ્ય સચિવ સંજીવ ચોપ્રાએ તાજેતરમાં જણાવ્યું છે.
ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઈસ્મા)એ જણાવ્યું હતું કે ખાંડ મિલોની શેરડીની ખરીદી પેટેની બાકી ચુકવણીમાં વધારો થઈ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં ગત 30મી નવેમ્બર સુધીમાં બાકી ચુકવણી વધીને રૂ. 2000 કરોડની સપાટીએ રહી છે. અતિરિક્ત પુરવઠો, ઊંચા ઉત્પાદન ખર્ચ, ઈથેનોલ માટે ખાંડની ઓછી ફાળવણી, વૈશ્વિક બજારમાં નિરુત્સાહી વલણ અને સ્થાનિકમાં ભાવઘટાડાતરફી વલણ જેવા કારણોસર હાલ મિલો પ્રવાહિતા ખેંચનો સામનો કરી રહી છે.
જોકે, ગત ગુરુવારે ઈસ્માની વાર્ષિક સામાન્યસભા પશ્ચાત્ પત્રકાર વર્તુળોને ખાદ્ય સચિવ ચોપ્રાએ જણાવ્યું હતું કે ખાંડ ઉદ્યોગે અમને જાન્યુઆરીના મધ્યથી શેરડીની ખરીદી પેટેની ચુકવણીમાં વધારા અંગેની તેમની સમસ્યાઓ જણાવી છે અને અમે આ દિશામાં સક્રિયપણે કાર્ય કરી રહ્યા છીએ અને આગામી મહિના સુધીમાં અમે નિર્ણયની જાહેરાત કરીશું, જેથી ઉદ્યોગને રાહત થાય અને ખેડૂતોને સમયસર ચુકવણી થાય. સરકાર તમામ વિકલ્પો વિચારી રહી છે જેમાં મુખ્યત્વે લઘુતમ વેચાણ ભાવમાં વધારો, હાલની 15 લાખ ટન ખાંડની નિકાસ મંજૂરીમાં વધારો કરવો અને ઈથેનોલ માટે ખાંડની ફાળવણીમાં વધારો કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત ફેબ્રુઆરી, 2019થી અત્યાર સુધી ખાંડના લઘુતમ વેચાણ ભાવ કિલોદીઠ રૂ. 31 યથાવત્ રાખવામાં આવ્યા છે અને ઈસ્માએ ભાવ વધારીને કિલોદીઠ રૂ. 41.66 નિર્ધારિત કરવાની માગણી કરી છે. વધુમાં ચોપ્રાએ ખાંડના અતિરિક્ત પુરવઠાને ધ્યાનમાં લેતા વર્તમાન મોસમ પડકારજનક રહે તેમ હોવાથી અમે તમામ હિસ્સેધારકોના હિત અંગે સક્રિયપણે વિચારણા કરી રહ્યા છીએ આથી અમે એવો ઉકેલ લાવીશું જેથી તમામ હિસ્સેધારકોને તેનો હક મળી રહે.
ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની મોસમમાં શેરડીનું ઉત્પાદન વધતાં ખાંડના ઉત્પાદનનો અંદાજ 3.43 કરોડ ટનનો મૂકવામાં આવ્યો છે અને ખાંડ આધારિત મોલાસીસ માટે ખાંડની ફાળવણી માત્ર 28 ટકા હોવાથી ફક્ત 34 લાખ ટન ખાંડ ઈથેનોલ માટે વિકેન્દ્રિત થશે. અગાઉ અમને એમ હતું કે આ ફાળવણી વધુ છે, પરંતુ હવે માત્ર 34 લાખ ટન જ ફાળવણી થઈ હોવાનું જણાય છે, એમ તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું.
ખાંડ ઉદ્યોગને મદદરૂપ થવા સરકારે વર્તમાન ખાંડ મોસમમાં નિકાસ માટે 15 લાખ ટનની મંજૂરી આપી હોવાનું ચોપ્રાએ જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં નિકાસ પડતર એક સમસ્યા છે, પરંતુ આગામી મહિને બ્રાઝિલની ખાંડ મોસમ પૂરી થયા બાદ પરિસ્થિતિમાં સુધારો થશે અને મિલો પૂરતા નફા સાથે માલબોજ હળવો કરી શકશે. ખાંડનો અતિરિક્ત પુરવઠો ન થાય તે માટે અમે સચેત છીએ, ખાંડની આગામી મોસમ પણ સારી રહેશે તેનાથી પણ સજાગ છીએ. આથી ખાંડનો પુરવઠો વધતો અટકાવવો જોઈએ અને ખેડૂતોને તેનાં ઉત્પન્નના વેચાણ સમયસર ચુકવણી મળવી જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.

ઈસ્માના પ્રમુખ ગૌતમ ગોયલે જણાવ્યું હતું કે ખાંડના અતિરિક્ત પુરવઠાને કારણે સ્થાનિક તેમ જ દરિયાપારની બજારોમાં ભાવ દબાણ હેઠળ આવે છે. ઘણાં રાજ્યોમાં એક્સ મિલ ધોરણે ભાવ નોંધપાત્ર સ્તરે ઘટીને ઉત્પાદનખર્ચ કરતાં પણ નીચા કિલોદીઠ રૂ. 41.66 સુધી પહોંચ્યા હોવાથી મિલોમાં નાણાકીય કટોકટી સર્જાઈ છે. આથી છ વર્ષથી યથાવત્ રહેલા ખાંડના લઘુતમ વેચાણ ભાવમાં સરકારે વધારો કરવો આવશ્યક છે. વધુ તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગની સ્થિરતા અને ખેડૂતોને સમયસરની ચુકવણી માટે ખાંડના લઘુતમ વેચાણ ભાવને શેરડીના સામાન્ય વળતરદાયી ભાવ (ફેર રેમ્યુનરેટીવ પ્રાઈસ-એફઆરપી) સાથે સાંકળી લેવા અત્યંત આવશ્યક છે.
વધુમાં ઈસ્માના ડિરેક્ટર જનરલ દીપક બલ્લાનીએ જણાવ્યું હતું કે હાલમાં ખાંડ ઉદ્યોગની સ્થિતિ વર્ષ 2018-19 જેવી જ છે. ત્યારે પણ મિલોની શેરડીની ખરીદી પેટેની બાકી ચુકવણી વધીને રૂ. 20,000 કરોડ સુધી પહોંચી હતી અને સરકાર પર લઘુતમ વેચાણ ભાવમાં વધારો કરવા અને નિકાસ સબસિડી આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, વર્તમાન મોસમમાં અત્યાર સુધીમાં ઉદ્યોગે માત્ર 1થી 1.5 લાખ ટન ખાંડની નિકાસના કોન્ટ્રાક્ટ કર્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.



