વેપાર

એમએસપી વધવાની આશા વચ્ચે શુગર કંપનીના શેરોમાં તેજીના ઉછાળા

નિલેશ વાઘેલા

મુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચી સપાટીને હાંસલ કરી વધુ આગળ વધવા મથી રહ્યાં છે ત્યારે શુગર સ્ટોકસમાં એકાએક સડસડાટ તેજી જોવા મળી છે. બજારના સાધનો અનુસાર સરકાર ૨૦૨૪-૨૫ માટે ખાંડની લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવાનું વિચારી રહી હોવાના અહેવાલોને કારણે આ ઉછાળો જોવા મળ્યો છે.

પાછલા મહિનાથી શુગર કંપનીઓના સ્ટોકસમાં તેજી આવી છે, જેમાં સરેરાશ ૨૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારના સત્રમાં શ્રી રેણુકા સુગર્સ, બલરામપુર ચીની મિલ્સ, દાલમિયા ભારત સુગર, ઇઆઇડી પેરી જેવા સુગર સ્ટોક્સમાં ૧૩ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

ઉદ્યોગના સૂત્રો અનુસાર ખાંડમાં એમએસપીના વધારા સિવાય, ઉદ્યોગ આગામી સિઝન માટે ઇથેનોલના ભાવમાં વધારાની રાહ જોઈ રહ્યો છે કારણ કે સિઝન માટે ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઇસ (એફઆરપી) પહેલેથી જ જાહેર કરવામાં આવી છે.

૨૦૨૪-૨૫ની સીઝન માટે લઘુત્તમ વેચાણ કિંમત (એમએસપી)માં વધારાની અપેક્ષાને કારણે ૧૩ જુલાઈના રોજ ખાંડના સ્ટોકમાં ૧૩ ટકા સુધીનો વધારો થયો હતો. હાલમાં, એમએસપી પ્રતિ કિલોગ્રામ રૂ. ૩૧ છે, જ્યારે ઉદ્યોગો પ્રતિ કિલોગ્રામ રૂ. ૪૧ સુધી વધારવાની માગ કરી રહ્યા છે.

એ જ રીતે, મવાના સુગર્સ, સિંભોલી સુગર્સ, શ્રી રેણુકા સુગર્સ, કેએમ સુગર મિલ્સના શેર ૧૩ ટકા સુધી ઉછળ્યા હતા. જ્યારે આંધ્ર સુગર્સ, અવધ સુગર એન્ડ એનર્જી, મગધ સુગર એન્ડ એનર્જીના શેર લગભગ નવ ટકા સુધી વધ્યા હતા. એ જ સમયે, બજાજ હિન્દુસ્તાન, બન્નારી અમ્માન સુગર્સ, દાલમિયા ભારત સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ડીસીએમ શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ, ઈઆઈડી પેરી, અને ધરણી સુગર્સ એન્ડ કેમિકલ્સના સ્ટોકસ પણ ૧૦ ટકા સુધીના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. જ્યારે રાણા સુગર્સ, બલરામપુર ચીની મિલ્સ, ધામપુર સુગર મિલ્સ અને ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ત્રણથી છ ટકાની રેન્જમાં વધ્યા હતા. એકંદરે શુગર સ્ટોક્સમાં તેજી જોવા મળી છે. નોંધનીય છે કે ૨૦૧૯થી ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત ૩૧ રૂપિયા પ્રતિ કિલો પર યથાવત છે. ઉદ્યોગ માગ કરી રહ્યું છે કે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારીને ૪૦-૪૧ રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે. સામાન્ય ચૂંટણીઓ પહેલાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન ૨૦૨૪-૨૫ (ઓક્ટો-સપ્ટેમ્બર) માટે લઘુત્તમ ૧૦.૨૫ ટકાના રિકવરી રેટ સાથે, શેરડીની એફઆરપીમાંં ૭.૪ ટકા અથવા રૂ. ૨૫નો વિક્રમી વધારો કરીને રૂ. ૩૪૦ પ્રતિ ૧૦૦ કિગ્રા કરવાની મંજૂરી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button