મિડિયમ ગ્રેડની ખાંડમાં સુધારો

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૫ના ઘટાડા સાથે રૂ. ૩૫૨૫થી ૩૫૬૫માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં પ્રબળ માગ તેમ જ માલની ગુણવત્તા પણ સારી આવી હોવાથી ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૪નો સુધારો આવ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. જોકે, આજે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૯૨થી ૩૭૮૨માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં એકંદરે વધુ માગ અને અમુક માલની ગુણવત્તા પણ સારી આવી હોવાથી તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૪ના સુધારા સાથે રૂ. ૩૭૭૬થી ૩૯૫૬માં થયાના અહેવાલ હતા.