ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ ₹ ૨૫ તૂટ્યાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે કામકાજો પાંખા રહ્યા હતા. જોકે, આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઘટી આવ્યા હતા, જ્યારે નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં કિલોદીઠ રૂ. બેથી ત્રણનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધી આવ્યા હતા અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે સ્થાનિકમાં સતત ત્રીજા સત્રમાં ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫ના ઘટાડા સાથે રૂ. ૨૮૩૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની નિરસ માગે કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૮૭૨ અને રૂ. ૨૬૫ તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૬૮ અને રૂ. ૨૩૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૧૫૦૦ના મથાળે રહ્યા હતા.