સ્ટોકિસ્ટોની વેચવાલીએ ટીન અને નિકલમાં જળવાતી પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની પ્રોપર્ટી માર્કેટમાં અપેક્ષિત વૃદ્ધિનો અભાવ જોવા મળી રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ મુખ્યત્વે ટીન, નિકલ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૮ સુધીનો ઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, આજે એકમાત્ર કોપર વાયરબારમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. બેનો સાધારણ સુધારો આવ્યો હતો. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે મુખ્યત્વે ટીન, નિકલ અને ઝિન્કમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ પણ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮ ઘટીને રૂ. ૨૫૩૮, રૂ. ૧૫ ઘટીને રૂ. ૧૫૦૭ અને રૂ. ચાર ઘટીને રૂ. ૨૨૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. ૨૦૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર કોપર વાયરબારમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલી જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. બેના સુધારા સાથે રૂ. ૮૦૪ના મથાળે રહ્યા હતા.