શૅરબજાર બજેટ સુધી નવાં શિખર નોંધાવતું રહેશે: ફોકસ કોર્પોેરેટ પરિણામ અને પોવેલની સ્પીચ પર
ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા
શેરબજાર સતત છઠ્ઠા સપ્તાહે આગેકૂચ નોંધાવી નવાં શિખરે પહોંચ્યું છે, નિફ્ટીએ પહેલી જ વાર ૨૪,૫૦૦ પોઇન્ટની અને સેન્સેક્સે ૮૦,૫૦૦ પોઇન્ટની સપાટી વટાવી છે. વરસાદની સારી પ્રગતી, બજેટની આશાવાદી અટકળો, વિદેશી ફંડોના રોકાણ પ્રવાહ અને ફેડરલ દ્વારા રેટકટની ઉમ્મીદને સહારે બજાર આગામી દિવસોમાં આંચકા ખાતાં ખાતાં પણ નવાં શિખરો સર કરતું રહશે, એવી આગાહી નિષ્ણાતો કરી રહ્યાં છે. રોકાણકારોનું ફોકસ રિલાયન્સ અને નિફ્ટી સહિતના કોર્પોેરેટ પરિણામ અને ફેડરલના ચેરમેન પોવેલની સ્પીચ પર રહેશે.
ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર કોન્સોલિડેશન સાથે પણ બજેટ રેલીની સંભાવના જણાઇ રહી છે. નિફ્ટી માટે હવે ૨૪,૬૦૦ ખૂબ જ નિર્ણાયક સપાટી છે, જો તે આ સપાટી વટાવશે તો ૨૪,૮૦૦ અને પછી ૨૫,૦૦૦ સુધી આગળ વધી શકે છે. તાત્કાલિક સપાર્ટ લેવલ ૨૪,૩૦૦ અને નિર્ણાયક ટેકાની સપાટી ૨૪,૦૦૦ની રહેશે. વીકલી ઓપ્શન ડેટામાં એવા સંકેત છે કે ૨૫૦૦૦નું લેવલ નિફ્ટી માટે મહત્ત્વનું રેઝિસ્ટન્સ લેવલ છે.
સપ્તાહમાં સેન્સેક્સ ૫૨૨.૭૪ પોઈન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૮૦,૫૧૯.૩૪ પોઇન્ટની, જ્યારે નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૧૭૮.૩૫ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા વધીને ૨૪,૫૦૨.૨૦ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયા છે. ૧૨ જુલાઈના રોજ, સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે ૮૦,૮૯૩.૫૧ અને ૨૪,૫૯૨.૨૦ની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટી નોંધાવી છે.
બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ જોતાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨.૫૦ લાખ કરોડનો વધારો થયો છે. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૫૨.૩૮ લાખ કરોડ રહ્યું હતું, જે ૫ાંચમી જુલાઈના શુક્રવારના અંતે રૂ. ૪૪૯.૮૮ લાખ લાખ કરોડ હતું. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ.૩,૭૩૯.૩૧ કરોડની અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ.૫,૦૮૫.૩૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.
સમીક્ષા હેઠળના પ્રથમ ચાર દિવસ સુધી કોન્સોલિડેશન મોડમાં રહ્યા બાદ, ભારતીય બજારે ૧૨ જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતિમ સત્રમાં મજબૂત વધારો નોંધાવ્યો હતો, જેમાં વિદેશી રોકાણકારોની વિસ્તૃત ખરીદી, ચોમાસાની સારી પ્રગતિ, કોર્પોરેટ પરિણામની સારી શરૂઆતના કારણે બેન્ચમાર્ક શેરઆંક તાજી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. આ ઉપરાંત અમેરિકાના ઇન્ફ્લેશનમાં અપેક્ષા કરતાં નીચા સ્તરે રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વર્ષના અંત સુધીમાં રેટ કટ જાહેર કરશે એવી આશાને કારણે પણ સેન્ટિમેન્ટને જોમ મળ્યું હતું.
કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થઇ ગઇ છે અને હવે ઇન્ફોસીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કેટલીક બ્લુચિપ કંપનીઓની ત્રિમાસિક પરિણામ, વૈશ્ર્વિક વલણોે અને વિદેશી રોકાણકારોની ટ્રેડિંગ પ્રવૃત્તિ પર બજારની નજર રહેશે. સોમવારે જાહેર થનારા જથ્થાબંધ ભાવાંક આધારિત ફૂગાવાના ડેટા પણ ટ્રેડિંગ સેન્ટિમેન્ટને અસર કરશે. બુધવારે મોહરમ નિમિત્તે બજારો બંધ રહેશે. આ અઠવાડિયે એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, બજાજ ઓટો, બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતની અગ્રણી કંપનીઓ પરિણામ જાહેર કરશે.
અન્ય વૈશ્ર્વિક પરિબળોમાં યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષનું પ્રવચન, યુએસ રિટેલ વેચાણના આંકડા અને જાપાનના મેક્રો ઇકોનોમિક ડેટાનો સમાવેશ થાય છે. ચીનના આર્થિક ડેટા પણ એકંદર વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટ પર સેન્ટિમેન્ટલ ઇફેક્ટ દર્શાવી શકે છે. દરમિયાન, બીએસઇ લાર્જ-કેપ ઈન્ડેક્સમાં ઝોમેટો, વન ૯૭ કોમ્યુનિકેશન, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, આઇટીસી, મેરિકો, ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સની આગેવાની હેઠળ ૦.૬ ટકાનો ઉમેરો થયો હતો, જ્યારે બેંક ઓફ બરોડા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બંધન બેંક, એબીબી ઈન્ડિયા, વેદાંત, પંજાબ નેશનલ બેંક અને હિન્દુસ્તાન ઝિંક ટોપ લૂઝર્સ શેર રહ્યાં હતાં.
મિડકેપ સેગમેન્ટના ટોપ ગેઇનર્સમાં ઓઈલ ઈન્ડિયા, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, ગ્લેન્ડ ફાર્મા, આરઈસી, એનએચપીસી, રાજેશ એક્સપોર્ટ્સ, એસજેવીએન, પીબી ફિનટેકનો, જ્યારે લૂઝર્સમાં શેફ્લર ઈન્ડિયા, યુએનઓ મિંડા, વેદાંત ફેશન્સ, વોડાફોન આઈડિયા, સીજી પાવર અને ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ, બાયોકોન, ઓબેરોય રિયલ્ટીનો સમાવેશ હતો.
બજેટની તારીખ નજીક આવી રહી હોવા છતાં મૂડીબજારમાં ખાસ કરીને એસએમઇ સેગમેન્ટમાં સારી હલચલ રહી છે. મઇનબોર્ડ સેગમેન્ટમાં માત્ર સનસ્ટાર આવી રહી છે. જ્યારે એસએમઇ સેગમેન્ટમાં મેકોબ્સ ઉપરાંત તુનવાલ ઇ-મોટર્સ, કટારિયા ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે. જ્યારે સહજ સોલારનું ભરણણુ ૧૫મીએ બંધ થશે.
મેકોબ્સ ટેક્નોલોજિસ લિમિટેડ રૂ. ૧૯.૪૬ કરોડની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીના શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૧થી રૂ. ૭૫ પ્રતિ શેર નક્કી થઇ છે અને લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે. એન્કર બિડિંગ ૧૫ જુલાઈએ ખુલશે, ઈસ્યુ અન્ય તમામ શ્રેણીઓ માટે ૧૬ જુલાઈ, ૨૦૨૪થી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ બંધ થશે.
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે હાલ મંદી માટે કોઇ ટ્રીગર નથી, બજાર એકંદરે વૈશ્ર્વિક અને સ્થાનિક પોઝિટિવ સંકેતોને અનુકૂળ પ્રતિક્રિયા આપી શકે છે. અમેરિકામાં ફુગાવામાં જૂનમાં ૦.૧ ટકા જેટલો ઘટાડો થયો હોવાથી સપ્ટેમ્બરમાં ફેડરલ દ્વારા વ્યાજ દરમાં કાપની આશાને ફરી હવા મળી છે.
બજારના સાધનો અનુસાર હાલમાં સ્થાનિક અને વૈશ્ર્વિક પરિબળો તેજીવાળાની તરફેણમાં છે. વરસાદની પ્રગતિ અને ખરીફ વાવેતર આગળ વધવા સાથે ખાસ કરીને જેને વધુ લાભ મળવાનો છે એવા ઓટોમોબાઇલ અને એફએમસીજી ક્ષેત્રના શેરોમાં આકર્ષણ રહી શકે છે. રોકાણકારો કોર્પોરેટ ક્ષેત્રના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના પરિણામોની પ્રતીક્ષા કરી રહ્યાં છે, જેમાં નાણાકીય ડેટા અને આગામી સમય માટેના ગાઇડન્સ પરથી બજારને દિશા મળશે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ પણ મહત્ત્વનું છે.
દરમિયાન, સપ્તાહના અંતિમ સત્રમાં એક તરફ જ્યારે સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટ સુધીના ઉછાળા સાથે તેની ૮૦,૮૯૩ની તાજી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, ત્યારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટના રોકાણકારોને લાકો રૂપિયાનું નુકસાન થયું હોવાની બજારમાં ચર્ચા છે. ટ્રેડરોએ બીએસઇની કથિત ટેકનિકલ ખામીને કારણે, સેન્સેક્સ ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સની વીકલી એક્સપાઇરીના સમયે ભારે ફટકો ભોગવવો પડ્યો હોવાની ફરિયાદ કરી છે. ટ્રેડરોએ ફરિયાદ કરી હતી કે મુંબઇ શેરબજારની ટેક્નિકલ ક્ષતિને કારણે તેઓ સેન્સેક્સ એક્સપાયરી ઈન્ટ્રાડે ઓર્ડર વેચવામાં નિષ્ફળ રહ્યાં હોવાને કારણે ભારે નુકસાન થયું હતું. જયપૂરના એક ટ્રેડરે તેને આને કારણે રૂ. ૧૫ લાખનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે. ઝેરોધા, ગ્રોવ, અપસ્ટોક્સ અને એન્જલ વન જેવા બ્રોકરોના ગ્રાહકોને ઉક્ત સમસ્યા નડી હતી. કેટલાક યુઝર્સ તેમના બીએસઇ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) ઓર્ડરમાં સમસ્યાઓ અનુભવી શકે છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) સાથે કનેક્ટિવિટીને લગતા મુદ્દાને કારણે આ સમસ્યા આવી હતી અને તેના પરિણામે ઓર્ડર “ઓપન પેન્ડિંગ” સ્થિતિમાં દેખાયા હતા, એમ
ઝેરોધાએ ટ્વીટર પરની પોસ્ટમાં જણાવ્યું હતું.