મુંબઇ: નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યો છતાં, વિશ્ર્વબજારના સારા સંકેતે સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ ૨૮૫.૯૪ પોઇન્ટ વધીને ૮૧,૭૪૧.૩૪ પોઇન્ટની અને નિફ્ટી ૯૩.૮૫ પોઇન્ટના સુધારા સાથે ૨૪,૯૫૧.૧૫ની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયો હતો.
જેએસડબલ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ, મારુતિ, એનટીપીસી, અદાણી પોર્ટ, ભારતી એરટેલ, આઇટીસી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, કોટક બેન્ક અને ટીસીેસ સહિતના શેર સેન્સેક્સના સૌથી વધુ વધનાર શેરમાં સામેલ હતા. ટોચના ઘટનાર શેરોમાં સ્ટેટ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાઇટન, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ સહિતના શેરોનો સમાવેશ હતો.
એસએમઇ સેગમેન્ટમાં એફકોમ હોલ્ડિંગ્સ લિમિટેડનો આઇપીઓ બીજી ઓગસ્ટે મૂડીબજારમાં પ્રવેશ કરશે. ભારતના એવિએશન સેકટરની ટોચની અને આસિયાન દેશોમાં કાર્ગો ફ્લાઈટ્સનું સંચાલન કરનારી આ કંપનીના ઈશ્યુનું કદ રૂ. ૭૩.૮૩ કરોડ, પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૨થી રૂ. ૧૦૮ પ્રતિ શેર અને લોટ સાઈઝ ૧,૨૦૦ શેર છે. શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સર્વિસ કંપની, મોનાર્ક નેટવર્થ કેપિટલે પ્રેફ્રેન્શિયલ ઓલોટમેન્ટ ધોરણે શેરદીઠ રૂ. ૫૬૦ના ભાવે રૂ. ૩૦૦ કરોડનું ફંડ એકત્ર કર્યું છે, જેમાં તેના પ્રમોટર્સ અને સીઈઓએ ૧૨૫ કરોડ અને જાણીતા સંસ્થાકીય રોકાણકારોએ બાકીના નાણાં રોક્યા છે. આ ઉપરાંત કંપનીએ તેના શેરધારકો માટે ૧:૧ના પ્રમાણમાં બોનસ શેરને પણ મંજૂરી આપી છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ ૨૦૨૦માં રૂ. બે કરોડ હતો તે નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂ. ૧૨૩ કરોડ સુધી પહોંચ્યો છે. નોન ફેરસ મેટલ્સમાંથી બનેલા વાઇન્ડિંગ વાયર અને સ્ટ્રીપ્સના ઉત્પાદનનો વ્યવસાય કરનારી શેરા એનર્જી લિમિટેડે ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં એકીકૃત ધોરણે ૪૬.૬૫ ટકાના વધારા સાથે રૂ. ૨૯૫.૭૨ કરોડની કુલ આવક, ૫૧.૫૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૬.૭૭ કરોડનો એબટા અને ૪૬.૪૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪.૭૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. મારુતિ સુઝુકીએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પાછલા વર્ષના સમાન ગાળાના રૂ. ૨૪૮૫ કરોડ સામે ૪૭ ટકાના વધારા સાથે રૂ. ૩૬૫૦ કરોડનો ચોખ્ખો નફો અને રૂ. ૩૦,૮૪૫ કરોડ સામે ઉક્ત ક્વાર્ટરમાં રૂ. ૩૩,૮૭૫ કરોડનું વેચાણ નોંધાવ્યું છે. ઝી એન્ટરેટેન્મેન્ટે પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૧૧૮.૧૦ કરોડનો ચોખ્ખો નફો અને ૭.૬ ટકાના વધારા સાથે રૂ. ૨૧૪૯.૫૨ કરોડની રેવન્યૂ નોંધાવી છે. કંપનીએ ગયા વર્ષ પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૫૩.૪૨ કરોડની ખોટ નોંધાવી હતી.
સ્થાનિક ધોરણે કોર્પોરેટ કમાણીના આંકડા નિરસ રહ્યાં છે. જોકે, બજાર અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની સ્પીચની રાહ જોઇ રહ્યું છે. બેન્ક ઓફ જાપાને અપેક્ષા અનુસાર જ વ્યાજદરમાં વધારો કર્યો છે. ફેડરલ રિઝર્વ બેઠકમાં રેટ કટની જાહેરાત કરે એવી અપેક્ષા નથી, પરંતુ ચેરમેન પોવેલ સપ્ટેમ્બરમાં રેટકટ અંગે કોઇ અણસાર આપે છે કે નહીં તેના પર રોકાણકારોની નજર છે.
અમેરિકાના બજારો બુધવારે મિશ્ર વલણ સાથે બંધ રહ્યાં હતાં, જ્યારે એશિયાઇ બજારોમાં સુધારાના પવન ફુંકાયો હતો. યુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી પોઝિટિવ વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૮૮ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૮૦.૫૧ ડોલર બોલાયું હતું. એક્સચેન્જના ડેટા અનુસાર પાછલા સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૫૫૯૮.૬૪ કરોડની વેચવાલી કરી હતી અને સ્થાનિક સંસ્થાઓએ લગભગ એટલા જ કરોડના શેર ખરીદ્યા હતા.
ટોચના વિશ્ર્લેષક અનુસાર ભારતમાં ચાલી રહેલા બુલ માર્કેટની વિશિષ્ટ વિશેષતા એ છે કે તે તમામ અવરોધો પાર કરી જવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય શેરબજારે ચૂંટણી, બજેટ અને મધર માર્કેટ અમેરિકન શેરબજારોનું કરેક્શન સંબંધિત તમામ ચિંતાઓને ફગાવી દીધી છે.