શૅરબજારમાં સતત છઠ્ઠા સપ્તાહે આગેકૂચ: નિફ્ટી માટે નવું ટાર્ગેટ ૨૪,૮૦૦

મુંબઇ: શેરબજારે સતત છઠ્ઠા સપ્તાહે આગેકૂચ નોંધાવવા સાથે સપ્તાહના પહેલા દિવસે પણ વધુ એક નવું શિખર સર કર્યુુંં છે, બંને બેન્ચમાર્કે નવી ઓલ ટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. નિફ્ટીએ પહેલી જ વાર ૨૪,૫૦૦ પોઇન્ટની અને સેન્સેક્સે ૮૦,૫૦૦ પોઇન્ટની સપાટી વટાવી છે. વરસાદની સારી પ્રગતી, બજેટની આશાવાદી અટકળો, વિદેશી ફંડોના રોકાણ પ્રવાહ અને ફેડરલ દ્વારા રેટકટની અપેક્ષાને સહારે બજાર આગામી દિવસોમાં આંચકા ખાતાં ખાતાં પણ નવાં શિખરો સર કરતું રહશે, એવી આગાહી કરવા સાથે નિષ્ણાતો એવી ચેતવણી પણ આપી રહ્યાં છે કે રોકાણકારોએ વેલ્યુએશન્સ તરફ પણ ધ્યાન આપવું જોઇએ અને શેરની પસંદગી ખૂબ સાવચેતીપૂર્વક કરવી જોઇએ.
બજારનું ફોકસ ખાસ કરીને આ સપ્તાહે જાહેર થનારા રિલાયન્સ અને નિફ્ટી સહિતના કોર્પોેરેટ પરિણામ અને ફેડરલના ચેરમેન પોવેલની સ્પીચ પર રહેશે. ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર કોન્સોલિડેશન સાથે પણ બજેટ રેલીની સંભાવના જણાઇ રહી છે. નિફ્ટી માટે હવે ૨૪,૬૦૦ ખૂબ જ નિર્ણાયક સપાટી છે, જો તે આ સપાટી વટાવશે તો ૨૪,૮૦૦ અને પછી ૨૫,૦૦૦ સુધી આગળ વધી શકે છે. તાત્કાલિક સપાર્ટ લેવલ ૨૪,૩૦૦ અને નિર્ણાયક ટેકાની સપાટી ૨૪,૦૦૦ની રહેશે. વીકલી ઓપ્શન ડેટામાં એવા સંકેત છે કે ૨૫૦૦૦નું લેવલ નિફ્ટી માટે મહત્ત્વનું રેઝિસ્ટન્સ લેવલ છે.
સપ્તાહમાં સેન્સેક્સ ૫૨૨.૭૪ પોઈન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૮૦,૫૧૯.૩૪ પોઇન્ટની, જ્યારે નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૧૭૮.૩૫ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા વધીને ૨૪,૫૦૨.૨૦ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયા છે. ૧૨ જુલાઈના રોજ, સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે ૮૦,૮૯૩.૫૧ અને ૨૪,૫૯૨.૨૦ની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટી નોંધાવી હતી.
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે હાલ મંદી માટે કોઇ ટ્રીગર નથી, બજાર એકંદરે વૈશ્ર્વિક અને સ્થાનિક પોઝિટિવ સંકેતોને અનુકૂળ પ્રતિક્રિયા આપી રહ્યું છે. અમેરિકામાં ફુગાવામાં જૂનમાં ૦.૧ ટકા જેટલો ઘટાડો થયો હોવાથી સપ્ટેમ્બરમાં ફેડરલ દ્વારા વ્યાજ દરમાં કાપની આશાને ફરી હવા મળી છે. અમેરિકાના બજારોમાં પણ સુધારો રહ્યો હોવાથી સ્થાનિક બજાર પર તેની સકારાત્મક સેન્ટિમેન્ટલ અસર દેખાઇ રહી છે. હાલમાં સ્થાનિક અને વૈશ્ર્વિક પરિબળો તેજીવાળાની તરફેણમાં છે. વરસાદની પ્રગતિ અને ખરીફ વાવેતર આગળ વધવા સાથે ખાસ કરીને જેને વધુ લાભ મળવાનો છે એવા ઓટોમોબાઇલ અને એફએમસીજી ક્ષેત્રના શેરોમાં આકર્ષણ રહી શકે છે.