આરબીઆઇએ આપી રાહત: વેલ્યુ બાઇંગને પગલે સેન્સેક્સ ૮૦૦ પોઇન્ટ જેટલો ઊંચે ઉછળી અંતે ૭૧૬ પોઇન્ટના સુધારે બંધ થયો…

નિલેશ વાઘેલા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રિઝર્વ બેન્કની નીતિ જાહેરાતથી જાણે રાહત મળી હોય એ રીતે શેરબજારને આઠ દિવસ બાદ રાહત મળી હતી અને બેન્ચમાર્કે સત્ર દરમિયાન ૭૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળો બતાવ્યો હતો. આરબીઆઇએ વ્યાજ દર યથાવત રાખવા સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના વૃદ્ધિ અંદાજને ૬.૮ ટકા સુધી વધાર્યો હોવાથી બેંક અને નાણાકીય શેરોની આગેવાનીએ સેન્સેક્સ પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો હતો.
આ ઉપરાંત વૈશ્ર્વિક શેરબજારોમાં તેજી અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાથી સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે તમામ ક્ષેત્રોમાં વેલ્યૂ બાઇંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ ૭૧૫.૬૯ પોઈન્ટ અથવા ૦.૮૯ ટકા ઉછળીને ૮૦,૯૮૩.૩૧ પોઈન્ટ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૮૦૦.૮૧ પોઈન્ટ અથવા ૦.૯૯ ટકાના ઉછાળા સાથે ૮૧,૦૬૮.૪૩ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયો હતો.
જ્યારે નિફ્ટી ૨૨૫.૨૦ પોઇન્ટ અથવા તો ૦.૯૨ ટકાના સુધારા સાથે ૨૪,૮૩૬.૩૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ દ્વારા અપેક્ષાકૃત રેપો રેટ ૫.૫૦ ટકા પર યથાવત રાખવા સાથે તટસ્થ વલણ જાળવી રાખવાની જાહેરાત થયા પછી ભારતીય શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
મહત્વની બાબતમાં આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ગ્રાહક ભાવાંક (સીપીઆઇ)નો અંદાજ ઘટાડીને ૨.૬ ટકા જાહેર કરવા સાથે જીડીપીનો અંદાજ વધારીને ૬.૫૦ ટકા જાહેર કર્યો હોવાથી બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.
કેન્દ્રીય બેંકે જોખમ આધારિત ડિપોઝિટ વીમા પ્રીમિયમ પણ રજૂ કર્યું હતું.
આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તાજેતરના જીએસટી દર તર્કસંગતીકરણનું પગલું ભારતીય નિકાસ પર યુએસ દ્વારા લાદવામાં આવેલા ૫૦ ટકા ટેરિફની અસરને સંપૂર્ણપણે સરભર કરશે નહીં. મલ્હોત્રાએ એ પણ નોંધ્યું હતું કે, સરકારી બોન્ડ ઉપજમાં ૩૦ બેસિસ પોઇન્ટનું ટ્રાન્સમિશન થયું છે, જે બજારની અપેક્ષાઓ અને નાણાકીય પરિસ્થિતિમાં ફેરફારને પ્રતિબિંબિત કરે છે.
સેન્સેક્સના શેરમાં ટાટા મોટર્સ ૫.૫૪ ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેન્ક, ટ્રેન્ટ, સન ફાર્મા, એક્સિ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ ગેઇનર રહ્યા હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ, સ્ટેટ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા સ્ટીલ ટોપ લુઝર્સ શેરોમાં સામેલ હતા.
ઇપેક પ્રિફેબ ટેકનોલોજીસ તેના ઇશ્યૂ ભાવ સામે લગભગ ૧૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો છે. જેન રિસોર્સિસ રિસાઇક્લિગંનો શેર તેના ઇશ્યૂ ભાવ સામે ૧૪ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. એલજી ઇલેક્ટ્રોનિક્સ સાતમી ઓકટોબરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૮૦થી રૂ. ૧૧૦૪ નક્કી થઇ છે.
વેદાંતા ગ્રુપ, સ્ટર્લાઇટ ઇલેક્ટ્રિક, રાય્સ પાવર ઇન્ફ્રા અને ઓગમેન્ટ એન્ટરપ્રાઇસ સહિત છ કંપનીઓએ સેબી પાસે પેપર્સ જમા કરાવ્યા છે. રોટોમેગ એનરટેક, ઓસવાલ કેબલ્સ અને પ્રાઇડ હોટલ્સે પણ સેબીનો સંપર્ક સાધ્યો છે. અનંતમ હાઇવેઝ ઇન્વિટ આઇપીઓ સાતમી ઓક્ટોબરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને નવમી ઓક્ટોબરના રોજ બંધ થશે.
આ રૂ. ૪૦૦ કરોડના ભરણાંમાં ફાળવણી ૧૪ ઓક્ટોબરના રોજ અને એન્એસઇ તથા બીએસઇ પર લિસ્ટિંગ ૧૭ ઓક્ટોબરના રોજ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૯૮થી રૂ. ૧૦૦ પ્રતિ શેર છે. ડીએલએફ અને સિંગાપોરની જીઆઇસીની જોઇન્ટ વેન્ટર કંપની ડીસીસીડીએલ એનસીડી મારફત રૂ. ૧૧૦૦ કરોડ એકત્ર કરશે. નિસ્સાન મોટર્સે સપ્ટેમ્બર ૨૦૨૫માં ૧૦,૫૦૦ યુનીટના વેચાણ સાથે ૯.૩૦ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. પાછલા વર્ષના સમાન મહિનામાં આ આંકડો૮૮૭૨ યુનીટનું વેચણ નોંધાયું હતું.
દરમિયાન, ઓગસ્ટમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન (ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડકશન) ચાર ટકાના દરે વધ્યું છે. આ વૃદ્ધિનું મુખ્ય કારણ ખાણકામ ક્ષેત્રની સારી કામગીરી રહી છે. જુલાઈ માટે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઇઆઇપી) વૃદ્ધિ દર ૩.૫ ટકાના અગાઉના અંદાજથી સુધારીને ૪.૩ ટકા જાહેર કરવામાં આવ્યો છે. ઓગસ્ટ ૨૦૨૫ માટે ખાણકામ, ઉત્પાદન અને વીજળી, એમ ત્રણ ક્ષેત્રોનો વિકાસ દર અનુક્રમે છ ટકા, ૩.૮ ટકા અને ૪.૧ ટકા રહ્યો હતો.
એનએસઇ અને બીએસઇ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા પરિપત્રો મુજબ, દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર આ વર્ષે ૨૧ ઓક્ટોબરે યોજાશે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યાની વચ્ચે યોજાશે અને ટ્રેડ મોડિફિકેશનનો અંતિમ સમય બપોરે ૨:૫૫ વાગ્યાનો રહેશે. આ ઉપરાંત ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ જેવા વિવિધ સેગમેન્ટમાં એક જ સમય સ્લોટમાં ટ્રેડિંગ થશે.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૫.૫૪ ટકા, કોટક બેન્ક ૩.૪૫ ટકા, ટ્રેન્ટ ૩.૩૧ ટકા, સન ફાર્મા ૨.૫૮ ટકા, એક્સિસ બેન્ક ૨.૪૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૭૭ ટકા, એચડીએફસી બેન્ક ૧.૪૮ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૩૩ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૬ ટકા, ટેક મહિન્દ્ર ૧.૨૦ ટકા, ઈટર્નલ ૧.૦૬ ટકા અને ટાઈટન ૧.૦૪ વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૧.૧૦ ટકા, સ્ટેટ બેન્ક ૦.૯૭ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૬ ટકા, તાતા સ્ટીલ ૦.૭૧ ટકા, એશિયન પેઈન્ટ ૦.૬૨ ટકા, ભારતી એરટેલ ૦.૪૭ ટકા, મારુતિ ૦.૨૬ ટકા અને એનટીપીસી ૦.૦૯ ટકા ઘટ્યા હતા.
આ પણ વાંચો…RBIની મોટી ભેટ! હવે શેર સામે મળી શકશે આટલા કરોડની લોન, IPO ફાઇનાન્સ અંગે પણ મોટી જાહેરાત…