વેપાર

રજાના મૂડ વચ્ચે સ્ટોક માર્કેટ રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા

નવી દિલ્હી: આવતીકાલે બજાર ક્રિસમસની રજાને કારણે બંધ રહેનાર છે. તેમ જ ગુરુવારે ડિસેમ્બર મહિનાનું ડેરિવેટીવ્ઝનું વલણ પૂરું થઈ રહ્યું છે. તેમ જ અન્ય સ્થાનિક ટ્રીગરોના અભાવ વચ્ચે સપ્તાહ દરમિયાન ઈક્વિટી બજારમાં સાંકડી વધઘટ અથવા તો રેન્જ બાઉન્ડ રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

આ સપ્તાહે ક્રિસમસની રજાઓને કારણે વૈશ્ર્વિક બજારોનાં સંકેતો પણ છૂટાછવાયા જોવા મળે તેમ હોવાથી સ્થાનિક બજારની વધઘટ મુખ્યત્વે સેક્ટરલક્ષી અને ચોક્કસ શૅરલક્ષી જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ લિ.નાં રિસર્ચ હેડ સંતોષ મીનાએ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે વિશ્ર્વ બજારનાં સંકેતોના અભાવ વચ્ચે ખાસ કરીને ડિસેમ્બર મહિનાના એફ ઍન્ડ ઑની એક્સપાયરીને કારણે બજારમાં ચંચળતા જોવા મળશે.

નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે ૦.૫૨ ટકાનો અથવા તો ૩૭૬.૭૯ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૦.૪૯ ટકાનો અથવા તો ૧૦૭.૨૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. જોકે, આ ઘટાડાનું મુખ્ય કારણ ગત ૨૦મી ડિસેમ્બરે બન્ને બૅન્ચમાર્ક તેજીની રેલી સાથે ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા હોવાથી નીકળેલી નફારૂપી વેચવાલીનું રહ્યું હતું.

દેશમાં સ્થિર સરકાર જળવાઈ રહેવાના આશાવાદમાં વધારો થવાથી ભારતીય ઈક્વિટી માર્કેટનું ઊંચું વૅલ્યૂએશન જળવાઈ રહેશે, વધુમાં એફપીઆઈનું હોલ્ડિંગ ૧૦ વર્ષની નીચી સપાટીએ છે અને જેપી મોર્ગન ઈમર્જિંગ માર્કેટ ગવર્મેન્ટ બૉન્ડ ઈન્ડેક્સમાં ભારતનો સમાવેશ થતાં રૂપિયામાં પણ સ્થિરતા જોવા મળે તેવી શક્યતા કોટક ઑલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિ.ના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટો જણાવ્યું હતું.

વધુમાં વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે અગાઉ બજાર એકતરફી તેજીમાં રહી હોવાથી નફારૂપી વેચવાલીનાં અપેક્ષિત આંચકા સાથે ગત સપ્તાહનું સમાપન થયું હતું. આમ સતત સાત સપ્તાહ સુધી સુધારો આવ્યા બાદ પહેલી વખત સાપ્તાહિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે આગામી સપ્તાહમાં હૉલિડે મૂડ રહે તેમ હોવાથી બજાર રેન્જ બાઉન્ડ રહેશે અને ચોક્કસ શૅર આધારિત વધઘટ જોવા મળે તેવી શક્યતા મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવતા ઉમેર્યું હતું કે બજાર પર ડૉલર સામે રૂપિયાની અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાનાં ભાવની વધઘટની પણ અસર જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button