શૅરબજાર તહેવારોના મૂડમાં, નિફ્ટીએ ૧૯,૪૦૦ની સપાટી વટાવી, સેન્સેક્સ ૬૫,૦૦૦ની લગોલગ પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલના નરમ વલણ અને અમેરિકન શેરબજારના તેજીના માહોલને કારણે ઇક્વિટી બજારોમાં તહેવારો જેવું હવામાન જોવા મળ્યું હતું.
સ્થાનિક શેરબજારઓ છઠી નવેમ્બરે સતત ત્રીજા સત્રમાં એકધારા જળવાઇ હતી, જેમાં બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ ૫૯૪.૯૧ પોઇન્ટ અથવા ૦.૯૨ ટકા વધીને ૬૪,૯૫૮.૬૯ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો, જ્યારે એનએસઇનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી ૧૮૧.૧૫ પોઇન્ટ અથવા ૦.૯૪ ટકા વધીને ૧૯,૪૧૧.૮૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
લગભગ ૫૦૦ પોઇન્ટના જોરદાર ગેપ સાથે સત્ર શરૂ થયા બાદ, પીએસયુ બેંકોને બાદ કરતાં તમામ સેક્ટરોમાં ખરીદી વચ્ચે ટ્રેડિંગના અંતિમ કલાકમાં નિફ્ટી ૧૯,૪૦૦ને વટાવીગયો હતો.
નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ડિવીઝ લેબોરેટરીઝ, હીરો મોટોકોર્પ, આઇશર મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે, જ્યારે એસબીઆઇ, એચયુએલ, ટાટા મોટર્સ, સિપ્લા અને ટાઇટન કંપનીના શેરોનો ટોપ લૂઝર્સ શેરોમાં સમાવેશ હતો.
એસએમઇ સેગમેમન્ટમાં નવા ભરણા સાથે કંપની પરિણામની મોસમ ચાલુ છે. ભારતની પ્રથમ અને એકમાત્ર લેડફ્રી સ્ટીલ સ્ટ્રેપીંગ ઉત્પાદક, ક્રિશ્કા સ્ટ્રેપીંગ સોલ્યુશન્સે નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનાના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૬૭ ટકાના વધારા સાથે રૂ. ૪૮.૮૯ કરોડની રેવન્યૂ નોંધાવી છે. એબિટા રૂ. ૮.૩૬ કરોડ, ચોખ્ખો નફો રૂ. ૫.૬૮ કરોડ નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૧૭.૧૦ ટકા અને ચોખ્ખા નફાનું માર્જિન ૧૧.૬૧ ટકા રહ્યું છે. બજાજ ઇલેક્ટ્રિકલના નફો ૫૬ ટકા ઘટીને રૂ. ૨૭.૩૦ કરોડ રહ્યો છે.
પ્લાસ્ટિકથી નોન વોવેન ફેબ્રિક્સ સુધીના બિઝનેસમાં વ્યસ્ત નિકાસલક્ષી એક્મ ફાઇબરવેબ ઇન્ડિયાએ ૨૦૨૪ના પ્રથમ છ મહિનાના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૧૮ ટકાના વધારા સાથે રૂ. ૫૦.૯૯ કરોડની કુલ આવક નોંધાવી છે. ચોખ્ખો નફો રૂ. ૨.૨૦ કરોડ, એબિટા રૂ. ૪.૯૫ કરોડ નોંધાવી છે. એબિટા માર્જિન ૯.૭૧ ટકા અને પેટ માર્જિન ૪.૩૨ ટકા રહ્યું હતું.
ભારત ફોર્ડનો બીજા ક્વાર્ટરનો ચોખ્ખો નફો ૫૧.૭૮ ટકા વધીને રૂ. ૨૧૪.૮૭ કરોડ રહ્યો હતો.
આઇટી ઇક્વિપમેન્ટ રેન્ટલ પ્રોવાઇડર કંપની સિલિકોન રેન્ટલ સોલ્યુશન્સે ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટિંગ ચેનલ પાસેથી નવો વર્ક ઓર્ડર મેળવ્યો છે, જેમાં આવશ્યક સર્વિસિસ સાથે રેન્ટ ટુ પરચેઝ ધોરણે ૨૫૦ લેપટોપનો ઓર્ડર સમાવિષ્ટ છે. કંપનીે નાણાકીય વષ૪ ૨૦૨૩માં રૂ. ૩૬.૬૫ કરોડની કુલ આવક નોંધાવી હતી. સેલો વર્લ્ડનો શેર ૨૮ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. સ્ટીલ ટ્યુબની અગ્રણી ઉત્પાદક એપીએલ એપોલો ટ્યૂબ્સે માર્કેટિંગ વ્યૂહના ભાગરૂપે આર્કિટેક્ટ, ક્ધસ્ટ્રકશન અને એન્જિનિયરિંગના ટેક એક્સપોમાં સર્ક્યુલર હોલો સેકશન, સ્કવેર હોલો સેકશન, રેકટેન્ગ્યુલર હોલો સેકશન, હેન્ડરોલ્સ, કલર કોટેડ કોઇલસ સહિતના ઉત્પાદનો એક્ઝિબિટ કર્યા હતા.
પીએસયુ બેન્ક સેકટરમાં નોંધાયેલા એક ટકાના ઘટાડા સિવાય ફાર્મા, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટીમાં એક-એક ટકાના વધારા સાથે તમામ ક્ષેત્રીય શેરઆંક ગ્રીન ઝોનમાં બંધ થયા થયા હતા. મિડકેપ અને સ્મોલકેપમાં લેવાલી ફરી નીકળી હોવાથી સંબંધિત શેરઆંકો વધીને બંધ થયા હતા.
આરતી ઇન્ડસ્ટ્રીઝ, જેકે સિમેન્ટ અને મેટ્રોપોલિસ હેલ્થકેરમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે બેન્ક ઓફ બરોડા, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ અને વોડાફોન આઇડિયામાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
વ્યક્તિગત શેરોમાં, આરતી ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ અને બાટા ઈન્ડિયાના વોલ્યુમમાં ૫૦૦ ટકાથી વધુ વધારો જોવા મળ્યો હતો. બીએસઇ પર ૨૪૦થી વધુ શેરો તેમની બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા, જેમાં અંબર એન્ટરપ્રાઈઝ, કલ્યાણ જ્વેલર, ઝોમેટો, સુઝલોન એનર્જી, ઈસાબ ઈન્ડિયા, ક્રિસિલ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ફોનિક્સ મિલ્સ અને ગોદરેજ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. બજારોએ સપ્તાહની શરૂઆત મક્કમ નોંધ પર કરી હતી અને તાજેતરના રિબાઉન્ડને ચાલુ રાખીને લગભગ એક ટકા વધ્યો હતો. ગેપ-અપ સ્ટાર્ટ પછી, નિફ્ટી દિવસના મોટાભાગના સમય માટે સાંકડી રેન્જમાં અથડાતો રહ્યો હતો અને અંતે દિવસના ઉચ્ચ સ્તરે ૧૯૩૯૮ના સ્તરે સ્થિર થયો હતો.
તમામ ચાવીરૂપ ક્ષેત્રોએ આ પગલામાં ફાળો આપ્યો જેમાં મેટલ, એનર્જી અને ફાર્મા દરેક એક ટકાથી વધુ વધ્યા. વ્યાપક સૂચકાંકો પણ ૦.૯૦ ટકાથી ૧.૩ ટકાની રેન્જમાં વધ્યા હતા. બજારો મોટાભાગે યુએસ બજારોના રિબાઉન્ડને પ્રતિબિંબિત કરી રહ્યા છે અને નિફ્ટીમાં ૧૯,૫૦૦ પરના અવરોધને ચકાસવા માટે તૈયાર દેખાય છે.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સન એન્ડ ટૂબ્રો ૨.૩૦ ટકા, એક્સિસ બેન્ક ૨.૦૭ ટકા, બજાજ ફિનસર્વ ૧.૮૮ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૮૮ ટકા અને ટાટા સ્ટિલ ૧.૭૯ ટકા વધ્યા હતા, જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૬૫ ટકા, ટાટા મોટર્સ ૦.૨૯ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૨૯ ટકા અને ટાઈટન ૦.૧૯ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૫ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.