ચાઈનીઝ આયાત સામે મૂકેલાં નિયંત્રણો યથાવત્ રાખવા સીમલેસ ટ્યૂબ ઉત્પાદકોનો સરકારને અનુરોધ…

નવી દિલ્હીઃ ઈન્ડિયન સીમલેસ ટ્યુબ ઍન્ડ પાઈપ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝે આજે સરકારને અનુરોધ કર્યો હતો કે ચીની કંપનીઓ અને પાવર ક્ષેત્રના પ્રોજેક્ટમાં વપરાતા ચાઈનીઝ ઈક્વિપમેન્ટની આયાત પર મૂકવામાં આવેલાં નિયંત્રણો યથાવત્ રાખવામાં આવે.
તાજેતરમાં સીમલેસ ટ્યુબ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયા (એસટીએમએઆઈ)એ સ્ટીલ મંત્રાલયને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે ચીની કંપનીઓની સહભાગીતા પર મૂકવામાં આવેલાં નિયંત્રણો હળવા કરવાના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવશે તો સ્થાનિકમાં ઉત્પાદન જોખમાશે, બૅન્કિંગ ક્ષેત્ર પર દબાણ આવશે અને મોટી માત્રામાં બેરોજગારી સર્જાશે.
નોંધનીય બાબત એ છે કે સ્ટીલ ટ્યુબ અને પાઈપ ઉદ્યોગ થર્મલ પાવર પ્રોજેક્ટની કરોડરજ્જુ છે. ખાસ કરીને બોઈલર ટ્યુબ્સ, હાઈ પ્રેશર, હાઈ ટેમ્પરેચર સીમલેસ ટ્યુબ્સ અને એલોય તથા કાર્બન સ્ટીલ પાઈપ્સનો પુરવઠો પ્લાન્ટ સિસ્ટમના બેલેન્સ માટે પૂરો પાડવામાં આવે છે.
તાજેતરમાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે સરકાર ચીની કંપનીઓ અને પાવર ક્ષેત્રના પ્રોજેક્ટમાં વપરાતા ચાઈનીઝ ઈક્વિપમેન્ટની આયાત પર મૂકવામાં આવેલાં નિયંત્રણો હળવા કરવા વિચારણા કરી છે. આથી અમે સરકારને ઉક્ત આવેદનપત્ર આપ્યું હોવાનું એસોસિયેશને જણાવ્યું હતું.
વધુમાં પત્રમાં જણાવ્યું છે કે જો ચાઈનીઝ કમ્પોનન્ટ્સ અને સિસ્ટમને મંજૂરી આપવામાં આવશે તો ટ્યુબ અને પાઈપ્સનું અકલ્પનીય ડમ્પિંગ થશે અને સ્થાનિક ઉત્પાદનોના એકમોની ક્ષમતા વણવપરાયેલી રહેતાં શટ ડાઉનની ભીતિ તોળાશે. તેમ જ આવા નીતિવિષયક બદલાવની સીધી અસર ઉત્પાદકોએ ક્ષમતા વિસ્તરણ માટે લીધેલી સર્વિસ ટર્મલોન પર પડતાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બૅન્કોની એનપીએ (નોન પર્ફોમિંગ એસેટ્સ)માં વધારો કરશે અને સ્ટીલ ટ્યુબ એકમો સાથે સંકળાયેલા એમએસએમઈ અને પુરવઠાકારો દબાણ હેઠળ આવશે.
નોંધનીય બાબત એ છે કે સ્ટીલ ટ્યુબ અને પાઈપ ક્ષેત્ર રોજગારલક્ષી છે. જેમાં કુશાગ્ર એન્જિનિયર્સ, મેટલર્જિસ્ટ વગેરેનો સમાવેશ થતો હોય છે અને જો ચાઈનીઝ આયાતને મંજૂરી આપવામાં આવશે તો સ્થાનિક એકમો બંધ થવાની સાથે સાથે મોટી માત્રામાં બેરોજગારીનું પણ સર્જન થશે. આથી અમે સરકારને આ પ્રસ્તાવ અંગે ફેરવિચારણા કરવા અને હાલની નીતિ જાળવી રાખવા માટે અનુરોધ કર્યો છે.



