સ્ટીલ પરની 12 ટકા સેફગાર્ડ ડ્યૂટી પર્યાપ્ત, આયાત પડકાર વધશે તો ડ્યૂટી વધારાની માગ કરાશે

નવી દિલ્હીઃ સ્ટીલના અમુક ઉત્પાદનો પરની પ્રસ્તાવિત 12 ટકા સેફગાર્ડ ડ્યૂટી પર્યાપ્ત છે અને જો ભવિષ્યમાં આયાતને લગતા પડકારો સર્જાશે તો ઉદ્યોગ પુનઃ સરકારને ડ્યૂટી વધારવા માટે અનુરોધ કરશે, એમ ઉદ્યોગના અગ્રણી અને ઈન્ડિયન સ્ટીલ એસોસિયેશનનાં પ્રમુખ નવીન જિન્દાલે આજે જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં ઈન્ડિયન સ્ટીલ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી ડમ્પિંગની ફરિયાદને ધ્યાનમાં લેતા ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ સ્થાનિક ઉત્પાદકોનાં હિત જાળવવા માટે ફ્લેટ સ્ટીલના અમુક ઉત્પાદનો પર ત્રણ વર્ષ માટે સેફગાર્ડ ડ્યૂટી લાદવાની ભલામણ કરી છે.
અમારા મતે જો ડીજીટીઆરએ 25 ટકા સેફગાર્ડ ડ્યૂટી લાદવાની ભલામણ કરી હોત તો વધુ સારું હતું, પરંતુ ભલામણ કરવામાં આવેલી 12 ટકા ડ્યૂટી પર્યાપ્ત છે, એમ તેમણે અત્રે યોજાયેલી આઈએસએ સ્ટીલ કોન્ક્લેવ 2025 દરમિયાન પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ વધાર્યો…
અમેરિકા જેવા દેશો જો 50 ટકા ટૅરિફ લાદતા હોય તો તેની સરખામણીમાં લાદવામાં આવેલી 12 ટકા ડ્યૂટી પૂરતી છે એવો પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ડીજીટીઆર ડ્યૂટી લાદવા અંગેનો નિર્ણય લેતા પૂર્વે ઉદ્યોગને કેટલી માત્રામાં હાનિ થઈ રહી છે તેની આકારણી કરે છે અને અમે તેનાં નિર્ણયનો આદર કરીએ છીએ. જો ભવિષ્યમાં કંઈ સમસ્યા સર્જાશે તો અમે પુનઃ સરકારનો સંપર્ક કરીશું, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ટૅરિફના મુદ્દાને ધ્યાનમાં લેતા ઘણાં દેશોએ અમેરિકા ખાતે નિકાસ બંધ કરી હોવાથી તેની વૈશ્વિક ભાવ પર અસર પડી છે. હાલમાં અમેરિકા ખાતે સ્ટીલની નિકાસ અટકી છે અને નિકાસકાર દેશો અન્ય બજારો તરફ નજર દોડાવી રહ્યા હોવાને કારણે ભાવ વધુ દબાણ હેઠળ જોવા મળે છે. જોકે, નાણાકીય વર્ષ 2026માં સ્થાનિકમાં સ્ટીલની માગ વૃદ્ધિ દ્વીઅંકી સંખ્યામાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.