વેપાર

સ્ટે હંગ્રી સ્ટે ફુલીશ સ્ટીવ જોબ્સના જીવનની અંગત વાતો

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

૫મી ઑક્ટોબર ૨૦૧૧ના અમેરિકન કંપની એપલના ફાઉન્ડર અને ચેરમેન સ્ટીવ પોલ જોબ્સનું અવસાન થયું અને તેની સાથે ખતમ થયો એક યુગ. વિશ્ર્વના તમામ દેશોનાં અખબારોમાં પ્રથમ પાને અને વિશ્ર્વની તમામ ટીવી ચેનલોએ તેને શ્રદ્ધાંજલિ આપેલ છે, માત્ર ૫૬ વર્ષની વયમાં કેટલી મહાન સિદ્ધિ?

છેલ્લા ૨૦ વર્ષોમાં એપલે મેક્ન્ટિોશ કમ્પ્યુટર, આઇપોડ, આઇફોન અને આઇપેડ મ્યુઝિક, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ અને ઇમેઇલની દુનિયા લોકોની હથેળીમાં લાવી દીધેલ છેે. ૨૦૦૪માં પેનક્રિયાના કૅન્સરના ઑપરેશન બાદ આરામ નહીં કરતા જોબ્સે ૨૦૦૭માં આઇફોન અને ૨૦૧૦માં આઇપોડ લોન્ચ કરેલા હતા. ૧૨ જૂન ૨૦૦૫: સ્ટીવ જોબ્સ માટે જો કંઇ જાણવું હોય તો તેની અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ૧૨ જૂન ૨૦૦૫ના આપેલી સ્પીચમાંથી જાણી શકાય. પ્રસ્તુત છે સ્ટીવ જોબ્સની આ ઐતિહાસિક સ્પીચના થોડા અંશો તેના જ શબ્દોમાં (ગુજરાતી અનુવાદમાં):
“મારા માટે એ ખુશીની વાત છે કે ગ્રેજ્યુએટ નથી છતાં ગ્રેજયુએટ થવા આવેલા વિદ્યાર્થીઓને સંબોધવાનો મોકો આપેલ છે. હું કૉલેજ ડ્રોપ આઉટ છું. મારે માત્ર તમને મારી જીવનગાથાની ૩ વાતો જ કરવી છે.

૧. કનેકટિંગ ડોટસ : મેં ગ્રેજયુએટનું ભણવા માટે રીડ કૉલેજ જોઇન કરી હતી જે સ્ટેન્ફોર્ડ જેટલી જ મોંઘી હતી. પણ પહેલાં ૬ મહિનામાં હું કંટાળી ગયો અને દોઢ વર્ષ પછી કૉલેજનો ત્યાગ કર્યો. મેં શા માટે કૉલેજ ડ્રોપ કરી તે પણ દિલચસ્પ વાત છે. તેની શરૂઆત મારા જન્મ પહેલા થયેલી હતી. મારી મા ગ્રેજયુએટ અનવેડ મધર હતી તેણે મને દતક આપવા માટે એક સંસ્થાને સોંપેલો શર્ત એક જ હતી કે મને દત્તક લેનાર મા-બાપ ગ્રેજયુએટ તો હોવાજ જોઇએ. એક વકીલ કપલ આમાં ક્વોલિફાઇ થતું હતું તે આવ્યું અને બધી તૈયારી થઇ ગઇ ત્યાં વકીલ વાઇફ કહે કે મારે તો ગર્લ ચાઇલ્ડ દત્તક લેવું છે. એટલે હું રિજેક્ટ થઇ ગયો. લિસ્ટમાં જેનું બીજું નામ હતું તે મા-બાપનો સંપર્ક કર્યો અને ત્યાં ખબર પડી કે મારી ફ્યુચર મધર તો કૉલેજ ગ્રેજ્યુએટ નથી. જયારે ફયુચર ફાધર તો હાઇસ્કૂલ પાસ પણ નથી ફરી રિજેકશન, પણ મારા ભાવી મા-બાપે મારી માને સાંત્વન આપ્યું કે અમો તારા દીકરાને જરૂર ગ્રેજ્યુએટનું ભણાવા માટે કૉલેજમાં દાખલ કરીશું અને અંતે મારી માએ હા પાડી.
૧૭ વર્ષે હું કૉલેજમાં ગયો પણ મારું દિલ નહીં લાગ્યુ મને થયું કે હું મારા મા-બાપની કિંમતી કમાણી વેડફી રહ્યો છું, પણ મને એ પણ ખબર નહોતી કે મારે શું કરવું છે? કૉલેજ છોડી અને મને હાશકારો થયો. કૉલેજ છોડયા પછીનો સમય કઠિન હતો. કોકાકોલાની ખાલી બોટલો દુકાનદારને પહોંચાડતો હતો એક ખાલી બોટલના પાંચ સેન્ટ મળતા હતા અને તેમાંથી મારું ભોજન મેનેજ કરતો હતો. માત્ર રવિવારે ૭ માઇલ ચાલીને હરે રામ હરે ક્રિષ્ણા મંદિરે પહોંચી સારું ભોજન કરતો હતો.

રીડ કૉલેજ તે સમયે કેલીગ્રાફી (સુંદર અક્ષર લખવાની કળા)ના કોર્સ માટે વિખ્યાત હતી. જેમાં રેગ્યુલર કૉલેજ નહોતી, કેલીગ્રાફીમાં મને રસ પડતા મેં તે કલાસીસ ભરવા શરૂ કર્યો. અલગ અલગ રીતે અક્ષરો લખવા તેના અલગ વળાંક વગેરે સારા લાગતા હતા પણ તેનો કંઇ પ્રેક્ટિકલ યુઝ યુનિવર્સિટીના ગ્રેજયુએટ સર્ટિફિકેટમાં નામ લખવા સિવાય થતો નહોતો. પણ ૧૦ વર્ષ બાદ જયારે મે મેક્ધિટોશ કમ્પ્યુટર બનાવ્યું ત્યારે મને તે કામમાં આવ્યુ. મેક્ધિટોશ પ્રથમ કમ્પ્યુટર હતું કે જેમાં કેલીગ્રાફીનો ઉપયોગ કરવામાં આવેલો અને અલગ અલગ ફોન્ટ આપવામાં આવેલા હતા. હું જયારે કૉલેજમાં હતો ત્યારે કેલીગ્રાફી કોર્સને ફયુચર સાથે કનેક્ટ નહોતો કરી શકતો પણ ૧૦ વર્ષ પછી આ ડોટસને હું ભૂતકાળ સાથે જરૂર કનેક્ટ કરી
શકયો હતો.

ધ્યાનમાં રાખો અનાજના તમારા કર્મ (ડોટસ) જરૂર તમારા ભવિષ્ય સાથે કનેક્ટ કરશે. તેથી જો કર્મ કરતા સમયે એ ડોટસ તમને આવતીકાલના ભાવી તરફ કનેકટ કરશે તેનો ખ્યાલ રાખશો તો ભવિષ્યમાં નિરાશ નહીં થાવ જેમ કે હું કયારેય નથી થયો.

૨. લવ એન્ડ લોસ્ટ : મેં ૨૦ વર્ષે અને મારા ૨૫ વયના મિત્ર વોઝનીકે મારા મા-બાપના ગેરેજમાંથી એપલ કોમ્પ્યુટર કંપની ચાલુ કરી હતી. ૧૦ વર્ષ બાદ કંપનીમાં ૪૦૦૦ માણસો કામ કરતા હતા અને ટર્નઓવર ૨ બિલિયન ડૉલર્સનું હતું અને મારી ઉંમર હતી ૩૦ વર્ષ.

જહોન સ્કલીને મે એપલ કમ્પ્યુટરમાં ઇન્ટરવ્યુ લઇને સીઇઓ તરીકે એપોઇન્ટ કરેલો હતો અને તેણે જ મને મારી સ્થાપેલી કંપનીમાંથી હકાલપટી જાહેરમાં હડધૂત કરીને કરી. શોક એટલો ભયંકર હતો કે થોડા મહિના તો મને ખબર ન પડી કે મારે શું કરવું જોઇએ, થયું કે કયાંક ભાગી જાઉં પણ ફરી હિંમત એકઠી કરી અને ફરી બેઠો થવાનો પ્રયાસ કર્યો. આ સેટ બૅક મને ફરી નવું સંશોધન કરી મારી જાતને પ્રૂવ કરવાની પ્રેરણા આપી. ત્યાર પછીનાં પાંચ વર્ષે મેં નેકસ્ટ અને પિકસર નામની કંપનીઓની સ્થાપના કરીને ચલાવી. આ સમય દરમિયાન મને એક ખૂબસૂરત અને બુદ્ધિશાળી મહિલા લોરીન સાથે મુલાકાત થઇ જે પાછળથી મારી જીવનસંગિની બની.

મારી પિકસર કંપનીએ વિશ્ર્વની પ્રથમ કમ્પ્યુટર એનિમેટેડ ફિચર ફિલ્મ ‘ટોય સ્ટોરી’બનાવી પિકસર આજે વિશ્ર્વનો બહુ પ્રતિષ્ઠિત એનિમેટેડ સ્ટુડીયો છે.

વિધિની કેવી વિચિત્રતા છે મારી કંપની નેકસ્ટને એપલે ૧૯૯૭માં ટેઇકઓવર કરી લીધી અને હું ફરી એપલમાં ઇન્ટિરિયમ સીઇઓ તરીકે પાછો ફર્યો.

જો મને એપલમાંથી ૩૦ વર્ષની ઉંમરે રીમુવ ના કર્યો હોત તો ના તો પિકસરની સ્થાપના થતે કે ના તો મને લોરીન મળતે. મારું માનવું છે કે જીવનમાં સેટ બૅક જરૂરી છે. માથું ભાંગે તો જ માથાની વેલ્યૂ થાય. જીવનમાં કયારેય જીવન જીવવાની ચાહ નહીં છોડવી જોઇએ. જો મન કે દિલ નહીં હોય તો કોઇ કાર્ય કરી નહીં શકો. તમારી જિંદગીનો મોટો ભાગ તો કામ કરવામાં જ જવાનો છે તો કામનો આનંદ માણી સારામાં સારા કામ કરો. ક્યારેય સેટલ થઇને બેસી નહીં જાવ.

૩. મૃત્યુ :
હું જયાર ૧૭ વર્ષનો હતો ત્યારે વાંચેલું કે ‘દરેક દિવસ એવી રીતે જીવો કે એ તમારી જિંદગીનો આખરી દિવસ છે.’ તેની મારા માનસ ઉપર બહુ ઊંડી અસર થયેલી છે અને છેલ્લાં ૩૩ વર્ષથી હું અરીસામાં જોઇને મારી જાતને કહું છું કે આજે મારો છેલ્લો દિવસ છે. જે કંઇ સારું કામ કરવું હોય, જે સિદ્ધિ મેળવવી હોય તે આજે જ મેળવી લે. જો તમે તમારી જાતને રોજ કહેશો કે આજનો દિવસ તમારી જિંદગીનો આખરી દિવસ છે તો એક દિવસ તો તમે સાચા જરૂર પડશે!!!

૨૦૦૪માં એક વર્ષ પહેલાં મને પેનક્રિયાનું કૅન્સર ડિટેક્ટ થયું. મને તો ખબર પણ નહોતી કે પેનક્રિયા એટલે શું? ડૉકટરે જણાવ્યું કે આ પેટનું એક એવું કૅન્સર છે કે જેનો કોઇ ઇલાજ શકય નથી અને મારા પાસે માત્ર છ મહિના જીવવા માટે છે. તે દિવસે મારા પર કેટલાય પ્રયોગો કરવામાં આવ્યા. અને જયારે એન્ડોસ્કોપી કરી થોડા ટિસ્યુ પેનક્રિયામાંથી લેવામાં આવ્યા ત્યારે ડૉકટરો ખૂબ રડી પડયા કારણકે આ કૅન્સર એવું હતું કે જેનો ઇલાજ શકય હતો!!! મને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ મારો મૃત્યુને સૌથી નજીકથી જોવાનો પહેલો પ્રસંગ હતો. કોઇને મરવું નથી પણ તે નિશ્ર્ચિત છે. મૃત્યુ એ લાઇફનું ચેન્જ એજન્ટ છે. મોત નવા આગંતુક માટે જગા કરવા માટે જરૂરી છે. જૂનાએ નવા માટે રસ્તો કરી આપવો જરૂરી છે. તમારા પાસે સમય મર્યાદિત છે, કોઇની જગ્યા રોકવાનો તમને અધિકાર નથી. લાઇફ બહુ સુંદર છે તેને માણો અને તમારી છાપ છોડી બીજા માટે જગ્યા કરતા જાઓ. (સ્પીચના અંશો પૂરા).

સ્ટિવ હંમેશાં કહેતા ‘સ્ટે હંગ્રી, સ્ટે ફૂલીશ’ આનો ગુજરાતી અનુવાદ સીધી રીતે નથી કરવાનો કે ભૂખ્યા રહો અને મૂર્ખ રહો. પણ ગૂઢાર્થ છે કે હંમેશાં સિદ્ધિ માટે ભૂખ્યા રહો અને તમારા મનની વાત સાંભળો પછી ભલે તે સમયે તે કોઇને મૂર્ખાઇ લાગે જેમ કે તેનો કૉલેજમાંથી ડ્રોપ લેવાનો. તેથી સફળતા માટે હંમેશાં ‘સ્ટે હંગ્રી, સ્ટે ફૂલીશ.’ ૫ ઑક્ટોબર ૨૦૧૧ના સ્ટિવ જોબ્સે ફરી એકવાર અરીસામાં જોઇને કહ્યું હશે કે ‘આજ મારી જિંદગીનો આખરી દિવસ છે, મારે બીજા માટે જગ્યા કરવી જરૂર છે’ અને ભગવાને કમને પણ તે વાત માનવી પડી હશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button