વેપાર

સ્ટાન્ડર્ડ સોનાએ ₹ ૭૨,૧૫૦ની સપાટી વટાવી, ચાંદી ₹ ૯૦,૦૦૦ની ઉપર

મુંબઈ: ફેડરલ દ્વારા રેટ કટની આશા, ડોલર ઇન્ડેકસના ઘટાડા અને મેટલની તેજી પાછળ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીના વલણની અસર ભારતીય બુલિયન બજારમાં પણ જોવા મળી હતી. જ્યારે નવી દિલ્હીના સર્રાફા બજારમાં મજબૂત વૈશ્ર્વિક સંકેતો પાછળ સોનું રૂ. ૫૩૦ ઉછળ્યું, ચાંદી રૂ. ૧,૨૦૦ ઉછળી હતી. વૈશ્ર્વિક બુલિયન બજારોમાં, કોમેક્સ ખાતે સ્પોટ સોનું ૨,૩૫૫ ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ કરતાં ૧૬ ડોલર વધીને ૨,૩૫૫ ડોલર પ્રતિ ઔંસ હતું. જ્યારે, ચાંદીના ભાવ અગાઉના સત્રમાં ૨૯.૮૦ ડોલર પ્રતિ ઔંસની સામે ૩૦.૨૫ ડોલર પ્રતિ ઔંસના સ્તરે ઉંચા બોલાયા હતા. એકંદરે સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ સુધારાનો માહોલ રહ્યો હતો. ઝવેરી બજાર ખાતે સ્ટાન્ડર્ડ સોનાએ ગુરુવારના સત્રમાં રૂ. ૭૨,૧૫૦ની સપાટી વટાવી છે, જ્યારે હાજર ચાંદી કિલોદીઠ રૂ. ૯૦,૦૦૦ની ઉપર પહોંચી ગઇ છે. ૯૯૯ ટચનું શુદ્ધ સોનું તેના રૂ. ૭૨,૨૨૬ના પાછલા બંધ ભાવ સામે સુધારા સાથે દસ ગ્રામદીઠ રૂ. ૭૨,૪૩૫ની સપાટીએ ખૂલ્યું હતું અને અંતે રૂ. ૨૭૦ના વધારા સાથે રૂ. ૭૨,૪૯૬ની સપાટીએ બંધ થયું હતું. જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું તેના રૂ. ૭૧,૯૩૭ના પાછલા બંધ ભાવ સામે સુધારા સાથે દસ ગ્રામદીઠ રૂ. ૭૨,૧૦૦ની સપાટી વટાવતું રૂ. ૭૨,૧૪૫ની સપાટીએ ખૂલ્યું હતું અને અંતે રૂ. ૨૪૨ના વધારા સાથે રૂ. ૭૨,૧૭૯ ની સપાટીએ બંધ થયું હતું.

એ જ રીતે, .૯૯૯ ટચની શુદ્ધ હાજર ચાંદી તેના રૂ. ૮૯,૬૯૮ના પાછલા બંધ ભાવ સામે સુધારા સાથે એક કિલોદીઠ રૂ. ૮૯,૮૪૩ની સપાટીએ ખૂલી હતી અને સત્રને અંતે રૂ. ૩૨૦ના વધારા સાથે રૂ. ૯૦,૦૧૮ની સપાટીએ સ્થિર થઇ હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ રૂ. ૫૩૦ વધીને રૂ. ૭૩,૦૮૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા હતા અને ચાંદીના ભાવ પણ રૂ. ૧,૨૦૦ના ઉછાળા સાથે રૂ. ૯૨,૫૦૦ પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. પાછલા સત્રમાં તે રૂ. ૯૧,૩૦૦ પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો.

બુલિયન ડીલર અનુસાર નબળા યુએસ આર્થિક ડેટાને કારણે ફેડરલ દ્વારા રેટ કટ અમલી બનાવવાની સંભાવનામાં વધારો તેમ જ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો તથા ઔદ્યોગિક ધાતુઓમાં તેજી આવવાને કારણે સોનાના ભાવ એક ટકાથી વધુ વધીને લગભગ બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા જ્યારે ચાંદીના ભાવમાં બે ટકાથી વધુનો વધારો થયો હતો. એફઓએએમસી મીટિંગની મિનિટસમાં, યુએસ ફેડરલ રિઝર્વના ગવર્નર પોવેલે પુન્રોચ્ચાર કર્યો હતો કે ફુગાવાની ચિંતા હજુ પણ અસ્તિત્વમાં છે અને ફેડરલને વ્યાજ દરો વધારવાની કોઈ ઉતાવળ નથી. ગુરુવારે સ્વતંત્રતા દિવસની રજા માટે યુએસ માર્કેટ બંધ છે.બજાર વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ થોભો અને રાહ જુઓ મોડમાં છે, કારણ કે તે આગળ વ્યાજ દરના માર્ગ માટે નિર્ણય લે તે પહેલાં તે થોડા વધુ મહિના માટે ડેટાની રાહ જોઈ રહ્યું છે. આ ટિપ્પણીઓ છતાં બજાર હવે સપ્ટેમ્બરમાં ફેડરલ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની ૬૬ ટકાની શક્યતા જુએ છે. વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થ બેન્કફેડરલ રિઝર્વ રેટ કટ અંગે વધુ સ્પષ્ટતા વલણ અપનાવવા માટે હવે નોન-ફાર્મ પેરોલ્સ રિપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. યુએસ લેબર માર્કેટમાં નરમાઈ અને આર્થિક મંદીના સંકેતોને પગલે સપ્ટેમ્બરમાં સંભવિત ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડા પર વધતા બેટ્સ વચ્ચે સોનામાં તેજી રહેવાની ધારણા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button