આયાતી તેલમાં ધીમો સુધારો, વેપાર છૂટાછવાયા…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 45 સેન્ટ વધી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 32 રિંગિટ વધી આવ્યાના અહેવાલ હતા.
આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે છૂટાછવાયા વેપાર જળવાઈ રહેતાં હાજરમાં આયાતી તેલમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં 10 કિલોદીઠ રૂ. પાંચ વધી આવ્યા હતા, જ્યારે દેશી તેલમાં મથકો પાછળ કપાસિયા રિફાઈન્ડના ભાવમાં રૂ. 10નો સુધારો આવ્યો હતો.
આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા સંકલિત કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત પહેલી સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા ઑગસ્ટ મહિનાના સમાનગાળાના 11,41,661 ટન સામે 12.86 ટકા વધીને 12,88,462 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું છે.
વધુમાં આજે બજારનાં અગ્રણી વિશ્લેષક થોમસ મિલ્કેએ એક પરિસંવાદમાં જણાવ્યું હતું કે હાલમાં સોયાબીન તેલના ભાવ અન્ડરવૅલ્યુડ છે. તેમ જ ઈન્ડોનેશિયા ખાતે ઈથેનોલન માટેની માગ વધતાં પામતેલની નિકાસ ધીમી પડવાની તેમજ આગામી મોસમમાં ભારતની ખાદ્યતેલની આયાત વધીને 1.8 કરોડ ટન આસપાસની સપાટીએ રહે તેવી શક્યતા વ્યકત કરી હતી.
સ્થાનિકમાં આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે એડબ્લ્યુએલ, નવભારત અને પતંજલિ ફૂડના આરબીડી પામોલિનના ભાવ અનુક્રમે 10 કિલોદીઠ રૂ. 1255, રૂ. 1272 અને રૂ. 1275 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, તેમ જ છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયાના અહેવાલ હતા.
આજે ગોંડલની મંડીનાં ભૂતપૂર્વ અધ્યક્ષનું નિધન થવાથી મંડી બંધ રહી હતી, જ્યારે રાજકોટની મંડીમાં 7500 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 900થી 1275માં થયા હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1280, સોયા રિફાઈન્ડના રૂ. 1275, સન રિફાઈન્ડના રૂ. 1425, સિંગતેલના રૂ. 1340, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1350 અને સરસવના રૂ. 1580ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2100માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1300માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.