વેપાર

વિશ્વ બજારથી વિપરીત સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. 599નું અને ચાંદીમાં રૂ. 1159નું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી ટૅરિફની અનિશ્ચિતતા વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજરમાં ભાવ વધ્યા મથાળેથી 0.1 ટકાના ઘટાડા સાથે અને વાયદામાં ભાવ ટકેલા ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ ટકેલુ વલણ રહ્યું હતું.

જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી 10 ગ્રામદીઠ રૂ. 597થી 599નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1159નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું.ટ્રેડરોના જણાવ્યાનુસાર આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પણ ઘટ્યા મથાળેથી 21 પૈસાના બાઉન્સબૅક સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટી આવતા વૈશ્વિક બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.

આપણ વાંચો: સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1159 વધીને રૂ. 1,07,690ના મથાળે રહ્યા હતા.

તે જ પ્રમાણે સોનામાં પણ ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 597 વધીને રૂ. 96,806 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 599 વધીને રૂ. 97,195ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધ્યા મથાળેથી સાધારણ 0.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 3331.85 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ આસપાસ 3341.80 ડૉલર ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 36.75 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા.

આપણ વાંચો: ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?

ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તેના 14 વેપારી ભાગીદાર દેશોને આગામી પહેલી ઑગસ્ટથી અમેરિકામાં થતી આયાત સામે લાદવામાં આવનાર ટૅરિફ અંગે પત્ર લખી જાણ કરી હતી. જેમાં જાપાન અને દક્ષિણ કોરિયા પર 25 ટકા ટૅરિફ લાદવાનો નિર્દેશ કર્યો હતો.

જોકે, વેપારી ભાગીદાર દેશો પ્રસ્તાવ મૂકશે તો ટૅરિફના અમલની મુદત વધારવામાં આવે એવો સંકેત પણ આપ્યો હતો, પરંતુ હજુ સુધી માત્ર બ્રિટન અને વિયેટનામ સાથે વેપાર કરાર થયા હોવાથી પુનઃ ટ્રેડ વૉરની ભીતિ સપાટી પર આવી છે.

એકંદરે ટ્રમ્પનાં વેપારી ભાગીદાર દેશોને પાઠવેલા પત્રોથી ટ્રેડરો ચિંતિત જણાય છે અને સોનામાં સલામતી માટેની માગ મર્યાદિત છે. તેમ છતાં સલામતી માટેની માગ પ્રબળ બનતા ભાવમાં ઉછાળો આવવાની શક્યતા નકારી ન શકાય, એમ કેસીએમ ટ્રેડનાં એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે હાલના તબક્કે મુખ્યત્વે અમેરિકી ટ્રેઝરીની ઊંચી યિલ્ડ અને એશિયન બજારોમાં સોનામાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ રહી હોવાથી સોનામાં તેજી અટકી રહી છે.

વધુમાં ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને આગામી પહેલી ઑગસ્ટથી તેના માલ પર ફરીથી ટૅરિફ લાદીને ફરીથી ટ્રેડ વૉર શરૂ કરવા સામે ચેતવણી આપતા કહ્યું હતું કે જો ચીનને સપ્લાઈ ચેઈનમાંથી બાકાત કરવામાં આવશે તો અમેરિકા સાથે વેપાર કરાર કરનાર દેશો સામે બદલો લેવામાં આવશે. આ સિવાય ટ્રમ્પે પુનઃ ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં કાપ મૂકવાનો અનુરોધ કર્યો હોવાના પણ અહેવાલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button