નિકલ, બ્રાસ અને કોપરની અમુક વેરાઈટીઓમા નરમાઈ
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જના અહેવાલોની ગેરહાજરી છતાં તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી તેમ જ ગઈકાલે વિશ્ર્વ બજારમાં ધાતુના ભાવમાં નરમાઈનું વલણ રહ્યાના ઓવરનાઈટ અહેવાલને ધ્યાનમાં લેતાં આજે સતત બીજા સત્રમાં બ્રાસ, નિકલ અને કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો ઘટાડો આવ્યો હતો. જ્યારે ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ચારનો સુધારો આવ્યો હતો અને એલ્યુમિનિયમ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ખાસ કરીને ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૨૪૭૫ના મથાળે રહ્યા હતા. તેમાં એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબ ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૧૭૨ અને રૂ. ૨૨૨ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૨૧૧ અને રૂ. ૧૯૦ના મથાળે રહ્યા હતા.
આજે સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૫૩૨, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૪૯૬, રૂ. ૭૯૦ અને રૂ. ૧૪૭૫ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૭૫૧, રૂ. ૭૪૪ અને રૂ. ૭૩૮ના મથાળે રહ્યા હતા, જ્યારે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૯૨ની સપાટીએ ટકેલા રહ્યા હતાં.