અમેરિકાનાં રિટેલ વેચાણમાં ધીમી વૃદ્ધિ થતાં વૈશ્વિક સોનામાં સુધારો
સ્થાનિક સોનામાં રૂ. ૪૫૫ અને ચાંદીમાં રૂ. ૫૪૭નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત મે મહિનામાં અમેરિકાના રિટેલ વેચાણમાં સાધારણ વૃદ્ધિ થઈ હોવાનાં નિર્દેશો સાથે વર્ષ ૨૦૨૪નાં બીજા ત્રિમાસિકગાળામાં આર્થિક વૃદ્ધિ મંદ પડતાં ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ ફરી સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનના ભાવમાં ૧૦ગ્રામદીઠ રૂ. ૪૫૩થી ૪૫૫નો ચમકારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૪૭ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૩ વધીને રૂ. ૭૧,૪૫૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૫૫ વધીને રૂ. ૭૧,૭૪૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૪૭ વધીને રૂ. ૮૮,૧૦૦ના મથાળે રહ્યા હતા.
Read more: રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ ૫૮૧નો અને ચાંદીમાં ₹ ૨૮૦નો ઘટાડો
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩૨૮.૬૭ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ૨૩૩૩.૩૦ ડૉલર તથા હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૩૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા ખાતે ગત મે મહિનામાં રિટેલ વેચાણમાં સાધારણ વધારો થતાં આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ભીતિ સપાટી પર આવતાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી નીતિઘડવૈયાઓએ વર્ષ ૨૦૨૪માં માત્ર એક જ વખત વ્યાજદરમાં કાપ મૂકવાનો અણસાર આપ્યો છે તેમ છતાં જો આર્થિક ડેટાઓ નબળા આવતા રહેશે તો સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે. જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલે (ગુરુવારે) જાહેર થનારા અઠવાડિક ધોરણે બેરોજગારી ભથ્થું મેળવનારાઓના ડેટા અને શુક્રવારે જાહેર થનારા પર્ચેઝિંગ મૅનૅજર્સ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે.