ધાતુમાં નિરસ વેપારે નરમાઈનું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક કોપરનાં ભાવમા આજે સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપરની અમુક વેરાઈટીઓ, નિકલ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબર અને લીડ ઈન્ગોટ્સમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ નિરસ માગ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ચારનો ઘટાડો આવ્યો હતો અને એકમાત્ર બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ત્રણનો સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાઓ પ્રબળ બનતાં કોપરની માગમાં સુધારો જોવા મળે તેવા આશાવાદે આજે લંડન ખાતે સત્રના આરંભે એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા વધીને ટન દીઠ ૯૨૦૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
આજે સ્થાનિકમાં વિશ્ર્વ બજારથી વિપરીત ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને અનુક્રમે રૂ. ૭૯૦, રૂ. ૭૮૨ અને રૂ. ૮૨૬ તથા નિકલના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૧૪૨૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની નિરસ માગે કોપર આર્મિચર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૭૭૪ અને રૂ. ૨૩૧ તથા ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૨૭૧ અને રૂ. ૧૯૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર બ્રાસ શીટ કટિંગ્સમાં વપરાશકાર ઉદ્યોગની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૫૫૮ના મથાળે રહ્યા હતા.
આ સિવાય કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ટીનમાં ખપપૂરતી છૂટીછવાઈ માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૭૨૫, રૂ. ૫૧૮, રૂ. ૧૮૮ અને રૂ. ૨૮૧૯ના મથાળે ટકેલા રહ્યા હતા.