નિકલ અને ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપરના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાનાં પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને નિકલ, ટીન અને કોપરમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનાં દબાણ હેઠળ ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૫, રૂ. પાંચ અને રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો.
તેમ જ બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર કોપર કેબલ સ્ક્રેપમાં વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધી આવ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ટનદીઠ ૯૮૨૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જોકે, અમેરિકા બાદ યુરોપિયન યુનિયને ચીનથી આયાત થતાં ઈલેક્ટ્રિક વાહનો પર ભારે ડ્યૂટી લાદતાં માત્ર ચીનની આર્થિક વૃદ્ધિ સામે જ નહીં, પરંતુ કોપરની અપેક્ષિત માગ પર પણ માઠી અસર પડવાની સાથે ચીન અને પશ્ર્ચિમના વિકસિત દેશો સાથે ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ સપાટી પર આવતાં કોપરમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. દરમિયાન આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઘટીને રૂ. ૧૪૯૫ અને ટીન તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૨૮૬૦ અને રૂ. ૮૭૫ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે નિરસ માગે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૫૩૩ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૨૪૦ અને રૂ. ૨૬૮ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર કોપર કેબલ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૮૪૪ના મથાળે રહ્યા હતા.
આ સિવાય કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમની અન્ય વેરાઈટીઓ તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.