… તો શૅરધારકો દિવાળી ઉજવશે! નિફ્ટી ૨૦,૫૦૦ સુધી જઇ શકે, ૨૦,૨૦૦ ટેકાની સપાટી
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઇ: વૈશ્ર્વિક અને સ્થાનિક સ્તરે અન્ય સાનૂકૂળ પરિબળો ઉપરાંત બૃહદ અર્થતાંત્રિક ડેટામાં તેજીનું જોમ મળવાથી ભારતીય શેરબજારે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો. નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ૧૧ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. રોકાણકારો હવે નવા સપ્તાહમાં જાણે નવી ઇનિંગ શરૂ થવાની રાહ જોઇ રહ્યાં છે. ખાસ કરીને અંતિમ સત્રમાં બજારે હાંસલ કરેલી આલટાઇમ હાઇ સપાટીને કારણે ચારેકોર તેજીનો આશાવાદ જાગડત થઇ ગયો છે. મજબૂત અર્થતંત્ર અને રાજકીય સ્થિરતાની આશા સાથે ટેક્નિકલ ધોરણે પણ મજબૂત સંકેત મળી રહ્યાં છે. ટોચના ટેક્નિકલ વિશ્ર્લેષકો એવું ભાખી રહ્યાં છે કે નિફ્ટી ૨૦,૫૦૦ સુધી આગળ વધી શકે છે અને તેને માટે ૨૦,૨૦૦ મજબૂત ટેકાની સપાટી છે અને દરેક ઘટાડે લેવાલીનો ટેકો મળવાની સંભાવના છે.
આ તેજી અનેક પરિબળો એકત્ર થવાને કારણે આકાર પામી છે, જેમાં અમેરિકાના અધિકારીઓના ડોવિશ સ્ટાન્સ, ભારતીય કંપનીઓના બીજા ક્વાર્ટરના મજબૂત નાણાકીય પરિણામ, પ્રવાહિતાની સાનૂકુળ પરિસ્થિતિ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, અમેરિકન બોન્ડની યિલ્ડમાં ઘટાડો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શરૂ કરેલી લેવાલીનો સમાવેશ થાય છે. સેન્સેક્સ ૬૭,૦૬૯.૮૯ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે ૬૭,૪૮૧.૧૯ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. જ્યારે નિફ્ટી ૨૦,૨૬૭.૯૦ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી પર સેટલ થયો હતો. બજારના અભ્યાસુઓ અનુસાર ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ પછી નિફ્ટીનું આ સર્વોચ્ચ સ્તર છે. તાજેતરમાં નિફ્ટીએ ૨૬ ઓક્ટોબરે ૧૮,૮૩૮ની નીચી સપાટી બનાવી હતી આ સ્તરથી નિફ્ટીમાં સાત ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટી ૧૧.૨ ટકા વધ્યો છે અનેે સેન્સેક્સ ૧૦.૪ ટકા વધ્યો છે.
ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ આઉટલૂક આશાસ્પદ હોવા સાથે અપેક્ષા કરતાં વધુ જીડીપી વૃદ્ધિના આંકડાએ બજારનો મૂડ સુધર્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ૭.૬ ટકા રહ્યો છેે, જ્યારે રોઈટર અને બ્લૂમબર્ગનો અંદાજ ૬.૮ ટકાનો હતો. આરબીઆઈનો અંદાજ તો ૬.૫ ટકા હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોનગી લેવાલીને કારણે પણ બજારને સારો ટેકો મળ્યો હતો. એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૮૧૪૭.૮૫ કરોડની લેવાલી નોંધાવી હતી.
ત્રીસમી નવેમ્બરના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ભારતના આઠ મુખ્ય ક્ષેત્રોએ ઓક્ટોબરમાં ૧૨.૧ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. દરમિયાન, કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ એપ્રિલ-સપ્ટેમ્બરમાં રૂ. ૭.૦૨ લાખ કરોડથી વધીને એપ્રિલ-ઓક્ટોબરમાં રૂ. ૮.૦૪ લાખ કરોડ થઈ હતી.
હવે સવાલ એ છે કે આવતા સપ્તાહે શેરબજાર કેવો ખેલ બતાવશે? કારણ એ છે કે અન્ય તમામ પરિબળો કરતાં મહત્ત્વનું પરિબળ હવે આજે જાહેર થનારા ચૂંટણી પરિણામ છે. બજારના મોટાભાગના સાધનો માને છે કે, સોમવારે શેરબજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી શકે છે. ભારતની જીડીપીના આંકડામાં વૃદ્ધિ જણાતા અને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પણ શાસક પક્ષી તરફીરહેવાના સંકેત વચ્ચે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.
શેરબજારના અભ્યાસુઓ માને છે કે, જો રવિવારે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના જાહેર થનારા પરિણામ પણ એક્ઝિટ પોલમાં રજૂ થયેલા તારણ મુજબ જ આવશે, તો સોમવારે ભારતીય શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ શકે છે. અલબત્ત આ ઉપરાંત પણ કેટલાક પરિબળો છે, જેમાં ભારત, અમેરિકા અને ચીનના સર્વિસ પીએમઆઇના ડેટા, રિઝર્વ બેન્કની બેઠક વગેરેનો સમાવેશ થાય છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)નું વલણ પણ મહત્ત્વનું છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં બજારમાં એફઆઇઆઇની ખરીદીમાં પુનરુત્થાન જોવા મળ્યું હતું, ઉપલબ્ધ ડેટા અનુસાર આ વર્ગે રૂ. ૧૦,૫૯૩.૧૯ કરોડની ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૪,૩૫૩.૫૫ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત ચ૨ઋઢ૨૪ જીડીપીના આંકડા અને ઉત્પાદન પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઉછાળાથી નોંધપાત્ર વધારો થયો છે, જે નોંધપાત્ર રીતે વૃદ્ધિના દૃષ્ટિકોણમાં વધારો કરે છે. આઇપીઓ માર્કેટે તેની ગતિશીલતા જાળવી રાખી, ટાટા ટેક્નોલોજીના આઇપીઓમાં મળેલા ૧૪૦ ટકાના તોતિંગ વળતરે જોખમી અસ્કયામતોમાં રોકાણકારોના વિશ્ર્વાસને વધુ દૃઢ બનાવ્યો છે. ફંડોમેન્ટલ્સને બાજુએ મૂકીએ તો પણ ટેક્નિકલ ઇન્ડકેટર્સમાં પણ તેજીના સંકેત છે. અગ્રણી ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટી માટે ટૂંકા ગાળાનો ટેકનિકલ આઉટલૂકતેજીવાળાની તરફેણમાં છે. બેન્ચમાર્ક માટે ૨૦,૦૮૯-૧૯,૯૦૯ પોઇન્ટનું સ્તર ટેકાની સપાટી અને ૨૦૫૦૦-૨૦૭૫૧ પોઇન્ટ પ્રતિકારક સપાટી બનશે. બજાર આ અઠવાડિયે નવી ઊંચાઈએ પહોંચ્યું છે અને નિર્ણાયક રીતે મહત્ત્વની પ્રતિકારક સ્તરનો ભંગ કરીને અને ૨૦,૦૦૦ સ્તરની ઉપર મજબૂત રીતે બંધ થયું છે.
શેરબજારના નિષ્ણાતોનું માનવું છે. જો રવિવારે ત્રીજી ડિસેમ્બરે પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામ પણ એક્ઝિટ પોલના વલણ મુજબ જ જાહેર થશે તો ભારતીય શેરબજાર ખાસ કરીને સેન્સેક્સ તેની ઓલટાઈમ ઉચ્ચ સપાટી ૬૭,૮૩૮.૫૩ને વટાવીને એક નવો ઈતિહાસ રચી શકે છે. સેન્સેક્સ ગત સપ્ટેમ્બર મહિનામાં સર્વોચ્ચ સપાટીએ ૬૭,૯૨૭.૨૩ સ્પર્શીને ૬૭,૮૩૮.૫૩ પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. કેટલાક નિષ્ણાતો માને છે કે ભારતીય શેરબજાર હજુ આગામી મહિનાઓમાં પણ તેજીના વલણને ચાલુ રાખવા માટે સારી સ્થિતિમાં છે. જોકે, એ યાદ રાખવું અગત્યનું છે કે શેરબજાર અસ્થિર ગતિ ધરાવે છે અને તેમાં હંમેશાં જોખમો સામેલ છે.