પંજાબમાંથી અત્યાર સુધીમાં ૧૨૧ લાખ ટન ડાંગરની પ્રાપ્તિ
નવી દિલ્હી: વર્તમાન ખરીફ માર્કેટિંગ મોસમમાં કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં પંજાબમાંથી કુલ લક્ષ્યાંકિત પ્રાપ્તિના ૬૫ ટકા અથવા તો ૧૨૦.૬૭ લાખ ટન ડાંગરની પ્રાપ્તિ કરી હોવાનું ગત શનિવારે એક અધિકૃત યાદીમાં જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે વર્તમાન વર્ષ ૨૦૨૪-૨૫ની ખરીફ માર્કેટિંગ મોસમમાં જે આગામી ૩૦મી નવેમ્બર સુધી ચાલશે તે દરમિયાન પંજાબમાંથી ૧૮૫ લાખ ટન ડાંગરની પ્રાપ્તિનો લક્ષ્યાંક રાખ્યો છે. અધિકૃત યાદીમાં જણાવ્યાનુસાર ગત આઠમી નવેમ્બર સુધીમાં પંજાબની મંડીઓમાં ૧૨૬.૬૭ લાખ ટન ડાંગરની આવકો થઈ છે, જેમાંથી ૧૨૦.૬૭ લાખ ટનની પ્રાપ્તિ ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અને રાજ્યસ્તરની એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે સરકાર એ ગ્રેડની ડાંગરની પ્રાપ્તિ ક્વિન્ટલદીઠ રૂ. ૨૩૦૦ના લઘુતમ ટેકાના ભાવથી કરી રહી છે. તેમ જ વર્તમાન ખરીફ માર્કેટિંગ મોસમમાં અત્યાર સુધીમાં થયેલી ખરીદી પેટે સરકારે પંજાબના ૬.૫૮ લાખ લાભકર્તા ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે રૂ. ૨૭,૯૯૫ કરોડની ચુકવણી કરી છે. વધુમાં ૪૮૩૯ મિલરોએ ડાંગરના મિલિંગ માટે અરજી કરી હતી જેમાંથી ૪૭૪૩ મિલરોને પંજાબ સરકારે દ્વારા મિલિંગ માટે ફાળવણી પણ કરી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું. પંજાબમાં વર્ષ ૨૦૨૪-૨૫ની ખરીફ માર્કેટિંગ મોસમ માટેની પ્રાપ્તિનો આરંભ પહેલી ઑક્ટોબરથી થયો હતો અને રાજ્યમાં પ્રાપ્તિ પ્રક્રિયા સરળતાપૂર્વક ચાલે તે માટે ૨૯૨૭ અધિકૃત મંડીઓ અને કામચલાઉ ધોરણે યાર્ડ કાર્યરત કરવામાં આવ્યા હતા. એકંદરે મંડીમાં ડાંગરનો ઉપાડ પૂર જોશમાં થઈ રહ્યો છે અને દૈનિક ધોરણે થતી આવકોની સરખામણીમાં ઉપાડની માત્રા પણ વધુ રહેતી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.