એસએમઇ સેગમેન્ટમાં લિસ્ટિંગ સમયે નુકસાન સાથે બંધ થયેલી કંપનીઓની સંખ્યા સતત વધારો...
વેપાર

એસએમઇ સેગમેન્ટમાં લિસ્ટિંગ સમયે નુકસાન સાથે બંધ થયેલી કંપનીઓની સંખ્યા સતત વધારો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ
: નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ના શેરના લિસ્ટિંગ ગેઈનનો ઉત્સાહ ઓછો થતો જાય છે. લિસ્ટિંગ વેળા નુકસાન સાથે બંધ થયેલી કંપનીઓની સંખ્યા સતત વધી રહી છે. આ વર્ષે એસએમઈ પ્લેટફોર્મ પર સામૂહિક રીતે રૂ. ૮,૧૯૨ કરોડ એકત્ર કરનાર ૧૬૫ કંપનીઓમાંથી, લિસ્ટિંગના દિવસે ૬૧ કંપનીના એટલે કે ૩૭ ટકા કંપનીના શેર તેમના ઇશ્યૂ ભાવથી નીચે બંધ થયા હતા. આની તુલનામાં, ૨૦૨૪માં રૂ. ૮,૪૭૯ કરોડ એકત્ર કરનાર ૨૨૭ કંપનીઓમાંથી, શરૂઆતના ટ્રેડિંગમાં ફક્ત ૨૧ એટલે કે ૨૧ ટકા કંપનીના શેર તેમની ઓફર ભાવથી નીચે બંધ રહ્યા હતા.

આ વર્ષે એસએમઈ ક્ષેત્રની ફક્ત નવ કંપનીઓના શેરોના મૂલ્યમાં બમણો વધારો થયો છે, જે સંખ્યા ૨૦૨૪માં ૬૯ કંપનીઓ હતી. ગયા વર્ષે, એસએમઈ સેગમેન્ટમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. વિન્સોલ એન્જિનિયર્સે પ્રારંભમાં ૪૧૧ ટકા ઉછાળો નોંધાવ્યો હતો, જ્યારે મેક્સપોઝર, જીપી ઇકો સોલ્યુશન્સ, મેડિકામેન ઓર્ગેનિક અને કેસી એનર્જી એન્ડ ઇન્ફ્રા બધાએ ૩૦૦ ટકાથી વધુનો વધારો નોંધાવ્યો હતો.

એક્સચેન્જોએ જુલાઈ ૨૦૨૪માં એસએમઈ સ્ટોક લિસ્ટિંગ પર ૯૦ ટકા મર્યાદા લાદી હતી. ત્યારથી, પ્રથમ દિવસના નુકસાનમાં વધારો થયો છે અને લિસ્ટિંગ પ્રીમિયમ નરમ પડયા છે. એક્સચેન્જોએ ઓગસ્ટ ૨૦૨૫થી અમલમાં આવતા ઇશ્યૂ ભાવથી નીચેના પ્રી-ઓપન સોદા પર ૨૦ ટકા મર્યાદા લાદી હતી.

જાણકારોના જણાવ્યા અનુસાર, એસએમઈ લિસ્ટિંગ પર ઉપલી અને નીચલી મર્યાદા અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના કડક બનાવાયેલા નિયમનકારી ધોરણો એવા બે મુખ્ય પરિબળો છે જેણે લોન્ચ દિવસની ગણતરીઓમાં ફેરફાર કર્યો છે.

તેમણે કહ્યું કે લિસ્ટિંગ કેપથી ૨૦૨૪માં દર્શાવવામાં આવેલા મોટા ઉછાળાને દૂર કરવામાં આવ્યો છે. શરૂઆતના સોદા હવે વધુ શિસ્તબદ્ધ છે. પ્રી-ઓપનિંગ મર્યાદા ૯૦ ટકા સુધી મર્યાદિત છે, તેથી ગ્રે-માર્કેટ પ્રીમિયમ હવે પહેલા દિવસે ત્રણ-અંકના લાભમાં રૂપાંતરિત થતા નથી. રેડ લિસ્ટિંગમાં વધારો એ બજારનો સંકેત છે જે એસએમઈને છોડીને જોખમનું વધુ તર્કસંગત મૂલ્યાંકન કરી રહ્યું છે.

અગાઉ, એસએમઈ આઈપીઓએ લિસ્ટિંગ સમયે એટલે કે પ્રથમ દિવસે મજબૂત વળતર આપ્યું હતું, જેમાં કેટલાક શેરના ભાવ એક જ સત્રમાં બમણા થયા હતા. જોકે, અમુક વિશ્ર્લેષકો એવું માને છે કે ૯૦ ટકાની મર્યાદા લદાઇ હોવાથી એસએમઈ આઈપીઓમાં સ્થિતિ બદલાઈ ગઈ છે.

એસએમઈ માટે રિટેલ રોકાણકારોનો ઉત્સાહ યથાવત છે. આઈપીઓ અરજીઓની સરેરાશ સંખ્યા હજુ પણ ગયા વર્ષ કરતા વધારે છે, જે મજબૂત રિટેલ ભાગીદારી દર્શાવે છે. પરંતુ નેવુ ટકાની મર્યાદા અને આક્રમક આઈપીઓ કિંમતે લિસ્ટિંગ પછીની ગતિ ધીમી કરી છે.

જોકે, કેટલાક વિશ્ર્લેષકો એમ માને છે કે આ મંદીને પ્રાઇમરી બજારમાં આવેલી નબળાઈને આભારી છે. ૨૦૨૪ અને ૨૦૨૫માં એસએમઈ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ લગભગ ૪૫ ટકા શેર તેમના ઇશ્યૂ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ઘણી એસએમઈ કંપની વર્ષના પ્રથમ છ મહિનામાં વૈશ્ર્વિક અસ્થિરતા અને નબળા વ્યવસાયિક પ્રદર્શન વચ્ચે સંઘર્ષ કરી રહી હતી, જેના કારણે તેમની લિસ્ટિંગ પછીના ટકાઉપણા અંગે ચિંતા વધી રહી છે.

આ પણ વાંચો…વિદેશી હૂંડિયામણની અનામત 39.6 કરોડ ડૉલર ઘટી…

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button