શિયાળાની મોસમમાં ચાની પત્તી ચૂંટવાનું બંધ કરવા આદેશ જારી કરવા નાના ઉત્પાદકોનો ટી બોર્ડને અનુરોધ

કોલકતાઃ વર્તમાન શિયાળાની મોસમના સમયગાળાની નિષ્ક્રિયતામાં પાકની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન સ્મોલ ટી ગ્રોઅર્સ એસોસિયેશન (સીઆઈએસટીએ)એ ટી બોર્ડને પત્તીઓ ચૂંટવાનું અટકાવવા માટેનો ઓર્ડર જારી કરવા અનુરોધ કર્યો છે.
એસોસિયેશનના પ્રમુખ બિજોય ચક્રવર્તીએ એક યાદીમાં જણાવ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષથી ટી બોર્ડ શિયાળાની મોસમમાં મોટા એસ્ટેટો અને નાના ચા ઉત્પાદકો માટે પત્તીઓ ચૂંટવા અને ચાના ઉત્પાદન માટેની છેલ્લી તારીખ જાહેર કરતો ઓર્ડર જારી કરે છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં પત્તી ચૂંટવા માટેની અંતિમ તારીખ અનુક્રમે 25 અને 20 ડિસેમ્બર જાહેર કરવી જોઈએ જેથી આગામી વર્ષ માટે પાકની ગુણવત્તા સારી રહી છે.
આપણ વાચો: ઑગસ્ટમાં ચાનું ઉત્પાદન ઘટીને 17.012 કરોડ કિલોગ્રામઃ ટી બોર્ડ
જ્યાં સુધી પત્તી ચૂંટવાનું બંધ નહીં થાય ત્યાં સુધી હલકી ગુણવત્તાવાળા માલ બજારમાં ઠલાવતા રહેશે અને ઉદ્યોગ દબાણ હેઠળ આવશે, એમ એસોસિયેશને યાદીમાં જણાવવાની સાથે ચાના બગાડનો નાશ કરવાનો પણ અનુરોધ કર્યો હતો જેથી તેનો પુનઃ વપરાશ ન થઈ શકે.
વધુમાં એસોસિયેશને ટી બોર્ડને ડિસેમ્બરના અંત સુધીમાં પત્તી ચૂંટવાની પ્રક્રિયાઓ પુનઃ શરૂ કરવા માટેની તારીખની જાહેરાત કરવાનો પણ અનુરોધ કર્યો હતો જેથી ઉત્પાદકો સમયસર તૈયારીઓ શરૂ કરી શકે.



