સ્મોલ ગ્રેડની ખાંડમાં ઘટ્યા મથાળેથી ₹ ૧૬નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંઘ ખાંડ બજારમાં સતત બે સત્ર સુધી નરમાઈનું વલણ રહ્યા બાદ આજે ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તા પણ સારી આવી હોવાથી હાજર ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૬નો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં અને નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં પ્રબળ માગ ઉપરાંત અમુક માલની ગુણવત્તા પણ સારી આવી હોવાથી તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૬ના સુધારા સાથે રૂ. ૩૭૩૬થી ૩૮૩૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૮૨થી ૩૯૪૨માં ટકેલા ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૬૫થી ૩૭૧૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૩૫થી ૩૮૦૫માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.