ભારતની અર્થવ્યવસ્થા આજે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ સામે ભારતનો વિકાસ દર સૌથી ઝડપથી વધી રહ્યો છે. દેશમાં વિકાસ અને વૃદ્ધિદરને વધારવામાં સ્થાનિક વપરાશની મોટી ભૂમિકા છે. દેશની આ પ્રગતિમાં વ્યાપાર જગતનો પણ ઘણો મહત્વનો ભાગ છે અને મહત્વની વાત તો એ છે કે દેશની નાની કંપનીઓનું પ્રદર્શન મોટી કંપનીઓની તુલનામાં વધારે સારું રહ્યું છે.
દેશની નાની કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં રોકાણકારોને પણ ઊંચું વળતર આપ્યું છે અને સારું પ્રદર્શન કર્યું છે. એક આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં નાની અને મધ્યમ કંપનીઓએ 60% જેટલું માતબર વળતર આપ્યું છે જે સેન્સેક્સની બ્લુચિપ કંપનીઓના વળતરની સરખામણીમાં ઘણું વધારે છે. દેશની નાની એટલે કે ,સ્મોલ કેપ અને મિડ કેપ કંપનીના આવા ઉત્કૃષ્ટ પ્રદર્શન વિશે વાત કરતા ટ્રેડ એનાલિસ્ટો જણાવે છે કે વિદેશી રોકાણકારો મોટાભાગે ભારતની મોટી બ્લુ ચીપ કંપનીઓમાં જ રોકાણ કરતા હોય છે.
વિદેશી રોકાણકારોનો ભારતની મોટી કંપનીઓમાં પહેલેથી જ મોટો હિસ્સો રહ્યો છે. આપણે શેરબજાર પર નજર નાખીએ તો વિદેશી સંસ્થા કે રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી રહી છે. એની સરખામણી નાની કંપનીઓમાં સ્થાનિક સ્તરના લોકો રોકાણ કરે છે. લોકોની આવકમાં વધારો થયો છે.
નાની કંપનીઓમાં રિટેલ રોકાણકારોએ ધીમી પણ મક્કમ અને સતત ગતિથી રોકાણ કર્યું છે અને તેમણે દેશની અર્થવ્યવસ્થામાં વ્યાપક ભાગીદારી નોંધાવી છે. નાની કંપનીઓની તુલનામાં મોટી કંપનીઓના નબળા પ્રદર્શનનું આ પણ એક કારણ છે. વિદેશી કંપનીઓ અહીં પ્રોફિટ કમાવા માટે આવી છે, જ્યાં જે દેશમાં તેમને વધારે પ્રોફિટ થતો દેખાશે ત્યાં તેઓ તેમનું રોકાણ ડાઇવર્ટ કરી દેશે, પણ દેશના નાના રોકાણકારો કંપનીમાંથી એટલી ઝડપથી નાણા નહીં ઉપાડી લે.
ભારતમાં નાની કંપનીઓની મજબૂતાઈનું એક કારણ એ પણ છે કે નાની કંપનીઓ હવે મજબૂત બની છે અને ઘણા નવા ઉભરી રહેલા ક્ષેત્રોમાં નાની કંપનીઓમાં રોકાણની વિપુલ તકો છે. આપણે સોલાર એનર્જી વિન્ડ એનર્જી કે ઇલેક્ટ્રીક વાહન કંપનીઓનો દાખલો લઈએ તો રોકાણકારોને મોટી કંપનીઓમાં ખાસ કંઈ કમાવવા માટે નહીં મળે પરંતુ નાની કંપનીઓમાં તેમને કમાવાની પુષ્કળ તકો છે.
ભારતીય શેરોમાં વધતી જતી ટ્રેડિંગ પ્રવૃત્તિઓ પણ રોકાણકારોને આકર્ષી રહી છે. ગયા મહિને ડે ટ્રેડિંગ વેલ્યુ રેકોર્ડ હાઈ પર પહોંચી હતી અને તેમાં મોટા ભાગની નાની અને મધ્યમ કદની કંપનીઓ હતી. વિદેશી રોકાણકારોની તુલનાએ દેશની નાની અને મધ્યમ કદની કંપનીઓને દેશના રોકાણકારોએ મક્કમ અને મજબૂત સપોર્ટ આપ્યો છે. નાની કંપનીઓના ઊંચા વળતરને જોઇને હવે વિદેશી રોકાણકારો આવી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે, જે પણ નાની કંપનીઓના શાનદાર પ્રદર્શનને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને