નિરસ માગ અને મલયેશિયા પાછળ પામતેલમાં સુસ્ત વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં ૪૨ સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ છતાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૩૩ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૩૭ રિંગિટ ઘટી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર નિરસ રહેતાં માત્ર આરબીડી પામોલિન અને ક્રૂડ પામતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. બેની સુસ્તાઈ જોવા મળી હતી, જ્યારે અન્ય દેશી-આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં રૂચીના ૧૫થી ૩૦ ઑગસ્ટ ડિલિવરી શરતે રૂ. ૯૧૦, રિલાયન્સ રિટેલના રૂ. ૯૧૫ અને ગોલ્ડન એગ્રીના જેએનપીટી બંદરથી ડિલિવરી શરતે રૂ. ૯૧૫, મેંગ્લોરથી રૂ. ૯૧૦ અને કંડલાથી રૂ. ૯૦૫ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો સદંતર અભાવ રહ્યો હતો.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૮૯૬, ક્રૂડ પામતેલના રૂ. ૮૫૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૫૦, સોયા ડિગમના રૂ. ૮૯૦, સન રિફાઈન્ડના રૂ. ૯૫૫, સન ક્રૂડના રૂ. ૯૧૦, સિંગતેલના રૂ. ૧૬૦૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૦ અને સરસવના રૂ. ૧૧૬૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર ૧૦ કિલોદીઠ સિંગતેલના વેપાર રૂ. ૧૫૫૦માં અને વૉશ્ડ કૉટનના રૂ. ૮૯૫થી ૯૦૦માં થયા હતા, જ્યારે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૪૭૫માં થયા હતા.