મિડિયમ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે મહારાષ્ટ્રની સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૪૦થી ૩૫૮૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. તેમ જ આજે સપ્તાહના અંતે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્થાનિક રિટેલ સ્તરની માગ ઉપરાંત સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સાધારણ ગુણવત્તાલક્ષી સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે મથકોના અહેવાલ અને માગને ધ્યાનમાં લેતા સ્મોલ ગ્રેડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો અને ઉપલા મથાળેથી રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો. આજે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૧૨થી ૩૭૮૨માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના સાધારણ ગુણવત્તાલક્ષી સુધારા સાથે રૂ. ૩૭૭૨થી ૩૯૫૬માં થયા હતા.