આરબીડી પામોલિનમાં ધીમો સુધારો
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૮૨ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના નવેમ્બર અને ડિસેમ્બર ડિલિવરી વાયદાના ભાવમાં અનુક્રમે ૩૩ અને ૩૧ રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આરબીડી પામોલિનના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચનો સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય આયાતી તેલના ભાવમાં પાંખાં કામકાજે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મથકો પાછળ આજે કપાસિયા રિફાઈન્ડના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. પાંચ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે ૧૦ કિલોદીઠ રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૯૮૦ અને સન રિફાઈન્ડના રૂ. ૯૯૫ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ગોકુલના રેડી ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. ૯૭૫ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે માત્ર સેલરિસેલ ધોરણે થયેલા છૂટાછવાયા વેપારને બાદ કરતાં એકંદરે વેપાર નિરસ રહ્યા હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૮૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૯૦, સન રિફાઈન્ડના રૂ. ૯૯૫, સિંગતેલના રૂ. ૧૫૯૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૦૩૫ અને સરસવના રૂ. ૧૨૬૦ના મથાળે રહ્યા હતા.