મથકો પાછળ સિંગતેલમાં વધુ રૂ. 40નો ઉછાળો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 37 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા.
આમ વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલ અને હાજર, ડાયરેક્ટ ડિલિવરી તથા સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં આયાતી તેલમાં 10 કિલોદીઠ સન રિફાઈન્ડમાં રૂ. 10 અને આરબીડી પામોલિ તથા સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો.
જોકે, આજે ગુજરાતના મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ .40 અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25 વધી આવ્યાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં દેશી તેલમાં સિંગતેલમાં વધુ 10 કિલોદીઠ રૂ. 40નો ઉછાળો આવ્યો હતો, જ્યારે સરસવમાં રૂ. પાંચ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1230, સોયા રિફાઈન્ડના રૂ. 1240 અને સન રિફાઈન્ડના રૂ. 1490, ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1225 અને સોયા રિફાઈન્ડના રૂ. 1240, ભારત ફૂડ્સના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1225 અને રૂ. 1238, ગોલ્ડન એગ્રી તથા એવીઆઈના આરબીડી પામોલિનના અનુક્રમે રૂ. 1221 અને રૂ. 1242 તથા પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના નવેમ્બર ડિલિવરી શરતે રૂ. 1255 અને ડિસેમ્બર ડિલિવરી શરતે રૂ. 1260 ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, વેપારો છૂટાછવાયા રહ્યા હતા.
વધુમાં ગુજરાતમાં ગોંડલ મથકે આજે 35,000 ગૂણીની અને ગઈકાલની શેષ 35,000 ગૂણી મળી કુલ 70,000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1000થી 1300માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે આજે નવી કોઈ આવક નહોતી, પરંતુ ગઈકાલની શેષ 7000 ગૂણીના વેપાર મણદીઠ રૂ. 1000થી 1350માં ટકેલા ધોરણે થયા હતા.
તેમ જ આજે ગુજરાતનાં મથકો પર સ્થાનિક, દેશાવરો અને સ્ટોકિસ્ટોની માગને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 40 વધીને રૂ. 2390માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25 વધીને રૂ. 1500માં થયાના અહેવાલ હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1255, સોયા રિફાઈન્ડના રૂ. 1270, સન રિફાઈન્ડના રૂ. 1470, સિંગતેલના રૂ. 1540, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1300 અને સરસવના રૂ. 1550ના મથાળે રહ્યા હતા.



