આરબીડી પામોલિનમાં પીછેહઠ, સિંગતેલમાં ₹ ૧૦ ઘટ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૭૭ અને ૭૧ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૩૪ રિંગિટ ઘટી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં ખાસ કરીને આરબીડી પામોલિનના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૪૦નો અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૫નો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં દેશી તેલના ભાવ દબાણ હેઠળ રહેતાં સિંગતેલ અને કપાસિયા રિફાઈન્ડમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે રૂચીના આરબીડી પામોલિનના ભાવ રૂ. ૧૨૭૫, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૬૦ અને સન રિફાઈન્ડના રૂ. ૧૨૯૦ પ્રતિ ૧૦ કિલો ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે રિલાયન્સ રિટેલના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૨૮૫ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર પાંખાં રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૨૬૫, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૬૫, સન રિફાઈન્ડના રૂ. ૧૨૯૦, સિંગતેલના રૂ. ૧૫૩૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૨૭૦ અને સરસવના રૂ. ૧૩૯૫ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર દેશાવરોની માગ શુષ્ક રહેતાં સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૫૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૭૫માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વધુમાં આજે રાજસ્થાનનાં મથકો પર અંદાજે ૧.૫૦ લાખ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૭૦૦થી ૬૭૨૫માં, સરસવ એક્સપેલરના ૧૦ કિલોદીઠ રૂ. ૧૩૬૫થી ૧૩૭૧માં અને કચ્ચીઘાણીના રૂ. ૧૩૭૧થી ૧૩૮૧માં થયા હતા, જ્યારે સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૫૦૦થી ૨૫૦૫માં ટકેલા ધોરણે થયા હતા.