મથકો પાછળ સિંગતેલમાં રૂ. 20નો ઉછાળો, આયાતી તેલમાં ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગુજરાતનાં મથકો પર આજે સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 80નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 60ની તેજી આવી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ સિંગિતલના ભાવ 10 કિલોદીઠ રૂ. 20 ઉછળી આવ્યા હતા. વધુમાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 76 રિંગિટ વધી આવ્યાના નિર્દેશો સાથે આયાતી તેલમાં પણ સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં 10 કિલોદીઠ સન રિફાઈન્ડમાં રૂ. 25, આરબીડી પામોલિનમાં રૂ. 15 અને સોયા રિફાઈન્ડમાં રૂ. 10 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ગોકુલના આરબીડી પામોલિનના રૂ. 1275, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1280, સોયા રિફાઈન્ડના રૂ. 1255 અને સન રિફાઈન્ડના રૂ. 1465, ઈમામીના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1280 અને પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1295 ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ છૂટાછવાયા વેપારો ગોઠવાયાના અહેવાલ હતા.
વધુમાં આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 35,000 ગૂણીની અને રાજકોટ મથકે 10,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ અનુક્રમે રૂ. 900થી 1250માં અને રૂ. 900થી 1235માં થયા હતા. વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 80 વધીને રૂ. 2170માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 60 વધીને રૂ. 1350માં થયા હતા. આ સિવાય આજે મધ્ય પ્રદેશનાં સોયાસીડનાં મથકો પર 2.50 લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3300થી 4350માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 4300થી 4400માં થયાના અહેવાલ હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1290, સોયા રિફાઈન્ડના રૂ. 1290, સન રિફાઈન્ડના રૂ. 1460, સિંગતેલના રૂ. 1380, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1315 અને સરસવના રૂ. 1515ના મથાળે રહ્યાના અહેવાલ હતા.
આપણ વાંચો : ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો