મથકો પાછળ સિંગતેલમાં ઉછાળો, વેપાર નિરસ
મલયેશિયાએ ઑગસ્ટ માટે ક્રૂડ પામતેલનો નિકાસ વેરો યથાવત્ રાખ્યો, પરંતુ રેફરન્સ રેટ વધાર્યા
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૪૯ સેન્ટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ પાંચ રિંગિટનો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારનાં મિશ્ર અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પાંખાં કામકાજો વચ્ચે આયાતી તેલમા ૧૦ કિલોદીઠ સન રિફાઈન્ડ, સન ક્રૂડ અને સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચનો અને ક્રૂડ પામતેલમાં રૂ. બેનો ઘટાડો આવ્યો હતો. જોેકે, ગુજરાતના મથકો પર સિંગતેલમાં સ્ટોકિસ્ટોની અને દેશાવરોની લેવાલીને ટેકે લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ અને તેલિયા ટીનમાં ૧૫ કિલોદીઠ રૂ. ૩૦ વધી આવ્યા હોવાથી સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૦ વધી આવ્યા હતા. આજે સ્થાનિકમાં રેડી ડિલિવરીમાં છૂટીછવાઈ બે-ત્રણ ટ્રક આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૬થી ૯૦૭માં થયા હતા. આ સિવાય રૂચીના ડાયરેક્ટમાં વાર ટૂ વાર ડિલિવરી શરતે અંદાજે ૧૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૮માં થયા હતા. જોકે, સત્રના અંતે ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના જેએનપીટી, મેંગ્લોર અને કંડલાથી ડિલિવરી શરતે ભાવ અનુક્રમે રૂ. ૯૨૦, રૂ. ૯૧૫ અને રૂ. ૯૦૦ તથા રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૯૧૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૭૦ અને સન રિફાઈન્ડના રૂ. ૯૮૦ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન મલયેશિયાએ આગામી ઑગસ્ટ મહિના માટે ક્રૂડ પામતેલ પરનો નિકાસ વેરો આઠ ટકાના દરે યથાવત્ રાખ્યો છે, પરંતુ રેફરન્સ રેટ જે વર્તમાન જુલાઈ મહિના માટેના ટનદીઠ ૩૮૩૯.૬૩ રિંગિટ હતા તે વધારીને ૩૮૮૦.૮૬ રિંગિટ નિર્ધારિત કર્યા હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
આજે હાજર બજારમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૦૮, ક્રૂડ પામતેલના રૂ. ૮૫૮, સોયા રિફાઈન્ડના રૂ. ૯૬૫, સોયા ડિગમના રૂ. ૯૧૫, સન રિફાઈન્ડના રૂ. ૯૬૫, સન ક્રૂડના રૂ. ૯૧૫, સિંગતેલના રૂ. ૧૫૮૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૦ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર સિંગતેલ અને કપાસિયા રિફાઈન્ડના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૫૦થી ૧૫૬૦માં અને રૂ. ૯૨૦થી ૯૨૫માં થયા હતા, જ્યારે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૨૪૬૦થી ૨૪૭૦માં થયા હતા.